બોલિવુડમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદ માટે હવે શાહરૂખ ખાન પણ આગળ આવ્યો છે. થોડા દિવસો પહેલાં શરદ કપૂરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને બોલિવૂડના કલાકારો પાસે કામ આપવાની અપીલ કરી હતી. ત્યારબાદ સોનુ સૂદ અને સલમાન ખાન સહિતના કલાકારોએ તેમની મદદ માટે હાથ લંબાવ્યો હતો. હવે ફિલ્મ ‘જોશ’માં શરદ કપૂર સાથે કામ કરી ચૂકેલા શાહરૂખ ખાને પણ તેમને સહકાર આપવાની ખાતરી આપી છે.
શરદ કપૂરે તાજેતરમાં જણાવ્યું હતું કે શાહરૂખ ખાને તેમની અપીલનો વીડિયો વાયરલ થયા બાદ સામેથી ફોન કર્યો હતો. આ વાતચીત અંગે શરદે કહ્યું હતું કે, “હું જે કામ માંગી રહ્યો હતો, તે વીડિયો વાયરલ થયા બાદ શાહરૂખ ખાને મને તરત જ ફોન કર્યો. તેમણે મને કહ્યું કે તારે જે કરવું હોય તે કર. હું તારી મદદ કરીશ.” શરદે વધુમાં જણાવ્યું કે તેઓ થોડા જ સમયમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને પણ મળવાના છે. જોકે, આ મુલાકાત કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટને લઈને છે કે નહીં, તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી.
શાહરૂખ ખાન સાથેના જૂના સંબંધો યાદ કરતાં શરદ કપૂરે ફિલ્મ ‘જોશ’ના શૂટિંગનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ હતો. શાહરૂખને જ્યારે પણ કોઈ ડાયલોગ બોલવામાં મુશ્કેલી પડતી ત્યારે શરદ તેમની મદદ કરતા હતા. ભલે તે સીનમાં શરદનું પાત્ર શાહરૂખની વિરુદ્ધ હોય, તેમ છતાં તેઓ ફિલ્મ સારી બને તે માટે સહકાર આપતા હતા. શરદે કહ્યું હતું કે, “હું બસ એ જ ઈચ્છતો હતો કે અમે એક સારી ફિલ્મ બનાવીએ. શાહરૂખ ખાન એક કોન્ફિડન્ટ એક્ટર છે, તેઓ ખૂબ મોટા માણસ છે.”
આ જ વાતચીતમાં શરદ કપૂરે સોનુ સૂદે કરેલી મદદ વિશે પણ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, સોનુ સૂદે તેમને મળ્યા બાદ સારવાર માટે ડોક્ટરોની એક ટીમની વ્યવસ્થા કરી હતી. પગની ઈજાને કારણે શરદને સારવારની જરૂર છે અને આ માટે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શરદે જણાવ્યું હતું કે તેઓ પોતાની સારવાર માટે કરજત જવાના છે.
શરદ કપૂરે 1990 અને 2000ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં અનેક સહાયક અને નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મ ‘જોશ’માં તેમણે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘દસ્તક’, ‘જાની દુશ્મન’, ‘યે હૈ જલવા’, ‘લાલ સલામ’, ‘એલઓસી કારગિલ’, ‘લક્ષ્ય’ અને ‘જય હો’ જેવી ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા હતા. હાલમાં કામ અને સારવારની જરૂરિયાત વચ્ચે શરદ કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથી કલાકારો તરફથી મળી રહેલો સહકાર ચર્ચાનો વિષય બન્યો છે.