Vadodara

વડોદરા : પોલીસ કમિશનરના નામ અને સહી સાથેનો પીઆઈનો ફેક ટ્રાન્સફર ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ

હુકમ સાથે છેડછાડ કરનાર સામે ઈન્ક્વાયરી શરૂ કરાઈ : પોલીસ કમિશનર

અસલી બદલીના ઓર્ડર સાથે A I દ્વારા છેડછાડ કરી બનાવાયો નકલી હુકમ, કમિશનરની બોગસ સહી, નામ અને PIની પોસ્ટિંગ શબ્દોમાં પણ ગોટાળા નીકળ્યા

વડોદરા તા.૫

વડોદરા શહેર પોલીસ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવાનો દાવો કરતી હોવા છતાં પોલીસ ઇન્સ્પેક્ટરોના ટ્રાન્સફરનો એક કથિત ફેક ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. 18 જૂનના અસલી બદલી ઓર્ડરમાં ફેરફાર કરી તૈયાર કરાયેલા AI નો ઉપયોગ કરીને
આ નકલી ઓર્ડરમાં પોલીસ કમિશનરના નામથી લઈને સહી અને અધિકારીઓની પોસ્ટિંગ તથા લખાણમાં પણ ભૂલો હોવાના કારણે આ ઓર્ડર AI જનરેટેડ હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે. પોલીસ તંત્ર એલર્ટ હોવા છતાં પોલીસ કમિશનરની સહી અને નામ સાથેના હુકમનો દૂર ઉપયોગ કરનાર શખ્સ ને કોઈ ડર ના હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પોલીસ કમિશનરે આ હુકમ સામે ઈન્કવાયરી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે દ્વારા છેલ્લા 18 દિવસ દરમિયાન બે તબક્કામાં 12 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી ના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં 18 જૂનના રોજ 9 પોલીસ ઇન્સ્પેક્ટરોની અને 2 જુલાઈના રોજ વધુ 3 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પીઆઈ બદલીના સ્થળે હાજર પણ થઈ ગયા છે.
પરંતુ 18 જૂનના રોજ થયેલા અસલી ટ્રાન્સફર ઓર્ડર સાથે કોઈ શખ્સ દ્વારા A I નો ઉપયોગ કરીને ચેડાં કરી તૈયાર કરાયો હતો અને આ કથિત ફેક ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ તંત્રને જાણ થતા કાર્યવાહી શરૂ કરાઈ છે હુકમની બારીકાઈથી તપાસ કરતાં અનેક ભૂલ સામે આવી હતી.
વાયરલ ઓર્ડરમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના નામની સ્પેલિંગમાં પણ ભૂલ જોવા મળી હતી. તેમની સહી પણ અસલી સહીથી અલગ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ઓર્ડરની ભાષા અને શબ્દપ્રયોગમાં પણ અનેક વ્યાકરણ અને ટાઇપિંગની ભૂલો જોવા મળી હતી.
ટેક્નોલોજી ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે આ પ્રકારનો દસ્તાવેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવ્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં. કારણ કે દસ્તાવેજની રચના અસલી ઓર્ડર જેવી જ રાખીને તેમાં પસંદગીના ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જણાય છે.
ચોંકાવનારી બાબત તો એ પણ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફેક ઓર્ડરની સત્યતા ચકાસ્યા વગર કેટલાક લોકોએ તેના આધારે સમાચાર પણ પ્રસારિત કરી દીધા હતા. ઉપરાંત PI વી.આર. રાઠોડની અસલી બદલી અટલાદરા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક શાખામાં કરવામાં આવી હતી, જ્યારે વાયરલ થયેલા ફેક ઓર્ડરમાં તેમની બદલી SOGમાંથી ટ્રાફિકમાં દર્શાવવામાં આવી હતી.
વડોદરા પોલીસ અત્યાર સુધી આ ફેક ઓર્ડર કોણે તૈયાર કર્યો અને વાયરલ કર્યો તેની ઓળખ કરી શકી નથી. આ સમગ્ર ઘટનાએ માત્ર પોલીસ તંત્રની સોશિયલ મીડિયા મોનિટરિંગ વ્યવસ્થા સામે જ નહીં, પરંતુ AIના વધતા દુરુપયોગ અને ફેક દસ્તાવેજોના જોખમ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે પીઆઈ ની બદલીના હુકમ સાથે છેડછાડ કરનાર શખ્સ કોણ છે તેની સામે ઇન્કવાયરી શરૂ કરાઈ છે.

Most Popular

To Top