Charchapatra

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ મોબાઈલ એપ્લિકેશન કે યુટ્યૂબ જેવા માધ્યમો થકી મોબાઈલ કે લેપટોપ પર શિક્ષણ મેળવી રહ્યા છે. ઘરે કે પછી લાયબ્રેરીમાં બેઠાં-બેઠાં અભ્યાસ કરી રહ્યા છે. તજજ્ઞ શિક્ષકોના વ્યાખ્યાનો કે શિક્ષણની વિડિયોથી વિદ્યાર્થીઓ સતત જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. આ એક સકારત્મક પાસું છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો દેખાય છે કે નાના ડિવાઈસમાં કલાકો સુધી બેસીને અધ્યયન કરવું નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સતત સ્ક્રીન સામે બેસીને અધ્યયન કરતાં અન્ય બાબતો ભૂલતો જાય છે.

જેના કારણે એકલતા અનુભવે છે. દિનભરની એની એ જ પ્રવૃત્તિઓ તેમને વાસ્તવિક જગતથી દૂર લઈ જાય છે. જે લાંબાગાળે માનસિક તણાવનું કારણ પણ બને છે. લાયબ્રેરીમાં સતત વાંચન કરતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે પરફોર્મન્સ એન્ઝાયટી અનુભવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું પરીણામ વધુ અસર કરે છે. પાસ થાય તો પ્રોત્સાહન મળે છે અને જો નાપાસ થાય તો પોતાના પર ધિક્કાર પણ અનુભવતા હોય છે.

પરીવારની સૌથી મોટી અપેક્ષા હોય છે રોજ મહેનત કરે છે તો સારી નોકરી મળશે જ. ઘણીવાર પરીવારના સભ્યો એક જ બાબત પર ભાર આપે છે ત્યારે પણ વિદ્યાર્થી માનસિક રીતે અસ્થિર જણાય છે. અંતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયીર એ માત્ર બૌદ્ધિક કસોટી નથી, પણ માનસિક ધીરજની કસોટી છે. જે વિદ્યાર્થી પોતાની માનસિક શાંતિ જાળવીને ટેક્નોલોજી અને પરંપરાગત અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી શકે છે. તો જ વિદ્યાર્થી આ લાંબી રેસમાં અંત સુધી ટકી શકે છે. યાદ રાખો પરીક્ષા જીવનનો એક ભાગ છે, સંપૂર્ણ જીવન નથી.
સુરત     – અમૃત વળવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top