આજે દયાનો દિવસ હતો, આજે રાજા કેદખાનામાં જઈને બધા ગુનેગારોની સાથે વાતો કરી તેની વિનંતી સાંભળવાના હતા અને જે કેદીની વાત તેમને એકદમ હદયસ્પર્શી લાગશે અને જેની પર તેમને દયા આવશે તે એક કેદીને રાજા તેની સજા માફ કરી છોડી દેવામાં આવશે. બધા કેદીઓ પોતાના મનમાં પોતાની વાતને વધુને વધુ લાગણી સભર બનાવવા મનમાં સતત ગોઠવણ કરી રહ્યા હતા. રાજા કેદખાના આવ્યા અને એક ખાલી રૂમમાં બેઠા અને ત્યાં એક પછી એક કેદીને મોકલવામાં આવ્યા. પહેલા કેદીએ કહ્યું, ‘રાજાજી હું તો એકદમ નિર્દોષ છું, મારા પાડોશીએ મારી પર ચોરીનો ખોટો આરોપ મુક્યો છે.’
બીજા કેદીએ કહ્યું, ‘રાજાજી, મારી પર બાજુવાળાના ખેતરમાં આગ લગાવવાનો આરોપ છે, પણ મેં કોઈ ગુનો કર્યો જ નથી. આગ મારે કારણે નથી લાગી, મહારાજ દયા કરો.’ ત્રીજાએ કહ્યું, ‘રાજાજી, મારા પર શેઠને ઠગવાનો આરોપ છે પણ મેં કોઈ ગુનો કર્યો નથી મેં તો વેપારમાં સોદો કર્યો હતો હું નિર્દોષ છું, મેં કોઈ છેતરપીંડી નથી કરી મને માફી આપો.’ ચોથાએ કહ્યું, ‘મારી પર એક વ્યક્તિના ખૂનનો આરોપ છે પણ મેં જાણી જોઇને ખૂન નથી કર્યું; તેણે મારી પર હુમલો કર્યો હતો મેં તો સ્વબચાવમાં વાર કર્યો તે મરી ગયો મારો કોઈ વાંક નથી મને માફ કરો.’ આમ જેટલા પણ કેદીઓ આવ્યા બધાએ પોતે કોઈ ગુનો કર્યો નથી અને નિર્દોષ છે તેવી રજૂઆત કરી અને માફી માંગી અને છોડી મુકવાની વિનંતી કરી.
છેલ્લે એક યુવાન આવ્યો તેની આંખોમાં શૂન્યતા હતી તેણે રાજાને કહ્યું, ‘હું ગુનેગાર છું, મેં ગુસ્સાના આવેગમાં મારા મિત્ર પર જાનલેવા વાર કર્યો, મને જીવવાનો કોઈ હક્ક નથી તમે મારી સજા માફ ન કરતા હું સજાને જ લાયક છું.’ રાજાને બધા કેદીઓની ખોટી રજૂઆતો વચ્ચે આ યુવાનની એક સાચી વાત સ્પર્શી ગઈ. રાજાએ કહ્યું, ‘જલ્દીથી આ ગુનેગારને બધા નિર્દોષ લોકો વચ્ચેથી દૂર કરો નહીં તો એક ગુનેગાર બધા નિર્દોષ કેદીઓને બગાડી નાખશે.’ આમ કટાક્ષસભર નિર્ણય આપી રાજાએ સાચું બોલનાર યુવાનને માફ કર્યો. રાજાએ કહ્યું, ‘સાચું બોલવું સૌથી મહત્વનો ગુણ છે અને તેને માટે ખૂબ જ હિંમતની જરૂર પડે છે. યુવાની સાચી વાતે તેને સજામાંથી મુક્તિ અપાવી છે.’