Editorial

શાંતિ કરાર થયો, પણ મધ્ય-પૂર્વમાં ખરેખર શાંતિ સ્થપાશે ખરી?

જેના કારણે વિશ્વભરના દેશોના અર્થતંત્રોને મોટા આંચકા લાગ્યા હતા તે ઇરાન-અમેરિકા યુદ્ધનો છેવટે અંત આવ્યો છે. અમેરિકી સમય પ્રમાણે રવિવારે બંને દેશો વચ્ચે શાંતિ કરાર પર ડિજિટલી હસ્તાક્ષર થઇ ગયા છે અને રૂબરૂમાં સહી કરવાની વિધિ શુક્રવારે યોજાનાર છે.  લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેનો આ કરાર આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ અને તેહરાનની વાટાઘાટોની ટીમનું નેતૃત્વ કરી રહેલા ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે આ કરાર પર ઈલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર કર્યા છે. આ અંગેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ શુક્રવારે ૧૯મી જૂને સ્વિત્ઝર્લેન્ડમાં યોજાવાનો કાર્યક્રમ છે. જો કે વોશિંગ્ટન અને તેહરાન બંનેએ કરાર થયો હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ તેનો સંપૂર્ણ દસ્તાવેજ હજી જાહેર કરવામાં આવ્યો નથી.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમજૂતી પત્રની વિગતો આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ કરાર બે મહિનાથી વધુ સમયની સઘન વાટાઘાટો પછી થયો છે, જેનો ઉદ્દેશ્ય દુશ્મનાવટનો અંત લાવવાનો અને સંઘર્ષને કારણે પ્રભાવિત થયેલા મુખ્ય વેપારી માર્ગોને ફરીથી શરૂ કરવાનો છે. આ માળખા અંતર્ગત 60 દિવસનો વાટાઘાટોનો સમયગાળો નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે, જે દરમિયાન બંને પક્ષો બાકી રહેલા કેટલાક સૌથી સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે. અને આ બાબત હજી ચિંતા કરાવનારી છે.

આ સમયગાળા દરમ્યાન કોઇ મોટા મતભેદ ઉભા થવા અંગેની ચિંતા સેવાઇ રહી છે. જો કે હાલ તો કરાર થઇ ગયો છે તે એક રાહતની વાત છે અને વિશ્વભરના શેરબજારોએ ઉછાળા સાથે આ કરાને વધાવી લીધો છે. હવે ચર્ચા થનારા મુખ્ય વિષયોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમનું ભવિષ્ય અને આ વ્યાપક કરારના અમલીકરણ માટે જરૂરી તંત્રનો સમાવેશ થાય છે. શુક્રવારે યોજાનારો ઔપચારિક સમારોહ બંને દેશો કેવી રીતે આગળ વધવા માંગે છે તે અંગે વધુ સ્પષ્ટતા આપે તેવી અપેક્ષા છે. ઇરાન પરમાણુ શસ્ત્ર નહીં ધારણ કરવા સંમત થયું છે તે મોટી સફળતા છે એમ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કહે છે પરંતુ ઇરાન પહેલેથી જ અણુ શસ્ત્ર નહીં ધારણ કરવા તૈયાર હતું.

આ કરારના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંથી એક છે હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાની યોજના, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. ઇરાન આ સામુદ્રધુનિ ખોલવા તૈયાર થયું છે પણ ૬૦ દિવસ પછી તે ટોલ વસૂલ કરશે અને એ બાબતે અમેરિકા પણ સહમત થયું છે એમ ઇરાન દાવો કરે છે. આ બાબતે મોટો વિવાદ સર્જાઇ શકે છે. અને અમેરિકાએ ખરેખર ઇરાનને આવી છૂટ આપી હોય તો તેણે નાકલીટી તાણી છે એમ સ્પષ્ટ કહી શકાય.

મોટો તનાવ ઇઝરાયેલ અને લેબેનોનના મામલે છે. લેબેનોનની ઘટનાઓએ દર્શાવ્યું છે કે સ્થિતિ કેટલી નાજુક છે. ઇઝરાયેલે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. તો બીજી બાજુ ઇરાનમાં અતિ કટ્ટરવાદી ધર્મગુરુઓમાં પણ કરાર અંગે કચવાટ હોવાના અહેવાલ બહાર આવ્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે  જણાવ્યું છે કે, તેમની સેના દક્ષિણ લેબેનોનથી પાછી નહીં હટે.

જ્યારે  ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન ગ્વીરે શાંતિ સમજૂતી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “આપણે અમેરિકાના ગુલામ નથી. ઇઝરાયેલ એક આઝાદ દેશ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ સમજૂતી ઇઝરાયેલ પર લાગુ થતી નથી.” ઇઝરાયેલનું આવું વર્તન મધ્ય પૂર્વમાં તનાવ ચાલુ રાખી શકે છે. ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરારનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે, MoU પર હસ્તાક્ષર થયા બાદ શરૂ થનારી 60 દિવસની અમેરિકા-ઈરાન વાટાઘાટો એ બાબત પર નિર્ભર રહેશે કે અમેરિકા પહેલા પોતાના ત્રણ વચનો પૂરા કરે છે કે નહીં. ગરીબાબાદીના જણાવ્યા અનુસાર અમેરિકાએ ત્રણ પગલાં ભરવા પડશે. નૌકાદળની નાકાબંધી નાબૂદ કરવી, યુદ્ધ અને તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકવી, ઈરાનના ફ્રીઝ થયેલા ફંડ મુક્ત કરવા.

જ્યારે ઈરાનના પ્રમુખ મસૂદ પઝેશકિયાને અમેરિકા સાથે થયેલી સમજૂતીને ઈરાનની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આ સમજૂતી માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ આ ક્ષેત્રમાં તેના સહયોગીઓ  માટે પણ સન્માનનો દસ્તાવેજ છે. એક રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા પઝેશકિયાને કહ્યું કે વાતચીત દરમિયાન કેટલાક નાના મતભેદો ચોક્કસ હતા, પરંતુ તેઓ સમજૂતીના માર્ગમાં મોટો અવરોધ ન બન્યા.

પઝેશકિયાને દાવો કર્યો કે સમજૂતી પર ઈઝરાયેલની નારાજગી જ એ વાતનો સંકેત છે કે ઈરાન મજબૂત સ્થિતિમાં રહ્યું. તેમણે કહ્યું, ઈઝરાયેલની પ્રતિક્રિયા દર્શાવે છે કે જીત આપણી થઈ છે. આવા ઉચ્ચારણો દર્શાવે છે કે કરાર ભલે થયો પણ ખાસ કરીને ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે દુશ્મની યથાવત જ છે. દેખીતી રીતે અમેરિકા હાંફી ગયું હતું અને તે જલ્દીથી આ યુદ્ધમાંથી ખસી જવા માગતું હતું તેથી તેણે ઘણી બાંધછોડ કરીને કરાર કરી લીધો હોવાનું જણાય છે, પરંતુ મધ્ય પૂર્વમાં શાંતિની ગેરંટી આ કરારથી મળી નથી તે કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top