Jetpur pavi

નેશનલ હાઇવે પર વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી: વાહનચાલકો જોખમમાં, ટ્રાફિક જામથી હાલાકી

પાવી ગામ નજીક NH-56 પર સર્જાઈ અવરોધની સ્થિતિ, ગુજરાત-મધ્યપ્રદેશ માર્ગ પર વાહનોની લાંબી કતારો

ડાળી હટાવવામાં વિલંબના આક્ષેપ, તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

ગુજરાત મિત્ર, પાવીજેતપુર

પાવીજેતપુરથી છોટાઉદેપુર જતાં નેશનલ હાઇવે નં. 56 પર પાવી ગામ નજીક એક તોતિંગ વૃક્ષની ભારે ડાળી તૂટી રોડ પર પડી જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઇવે અત્યંત વ્યસ્ત માર્ગ ગણાય છે, જ્યાં દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે. આવા મહત્વના માર્ગ પર અચાનક વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી થતાં વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. અનેક વાહનોને રસ્તામાં અટકી જવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટના બાદ લાંબા સમય સુધી ડાળી હટાવવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી, પરંતુ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત?

સ્થાનિક રહિશો અને વાહનચાલકોએ તંત્ર પાસે માંગણી કરી છે કે નેશનલ હાઇવેની બાજુમાં આવેલા જોખમી વૃક્ષોની નિયમિત તપાસ કરવામાં આવે અને આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવે, જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાય અને વાહનવ્યવહાર સુચારુ રહી શકે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top