Sports

દાંબુલામાં ભારત ‘A’ની રોમાંચક જીત છતાં કેમ અધૂરી લાગી સફળતા? વૈભવ ફ્લોપ, ઋતુરાજનું શાનદાર શતક અને તિલકની ધીમી બેટિંગ ચર્ચામાં

શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાય નેશન ‘A’ સિરીઝની શરૂઆત ભારત ‘A’ ટીમ માટે જીત સાથે થઈ, પરંતુ આ જીત પછી પણ અનેક પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ટીમે શ્રીલંકા ‘A’ને 8 રને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી, તો બીજી તરફ યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીનું નિરાશાજનક પ્રદર્શન, તિલક વર્માની ધીમી ઇનિંગ્સ અને મધ્યક્રમની સંઘર્ષભરી બેટિંગને કારણે આ જીત સંપૂર્ણ સંતોષકારક લાગી નથી. બીજી તરફ રિયાન પરાગના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારીને પોતાની પસંદગી યોગ્ય સાબિત કરી હતી.

સૌની નજર વૈભવ સૂર્યવંશી પર હતી
તાજેતરના IPLમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર સમગ્ર ક્રિકેટ જગતની નજર હતી. ચાહકોને આશા હતી કે શ્રીલંકાની ધરતી પર પણ વૈભવ પોતાની આક્રમક બેટિંગથી ધમાલ મચાવશે.પરંતુ આ મેચમાં તેમનું બેટ ખાસ ચાલી શક્યું નહીં. જો કે વૈભવ માત્ર 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયા. જ્યારે પોતાની ટૂંકી ઇનિંગ્સ દરમિયાન તેમણે ત્રણ આકર્ષક ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા.સાથે જ મોહમ્મદ શિરાઝની બોલિંગમાં તેઓ કેચ આઉટ થયા અને નિરાશ ચહેરા સાથે પેવેલિયન પરત ફર્યા. તેમના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી.

ભારતની શરૂઆત રહી નિરાશાજનક
વૈભવ સૂર્યવંશી આઉટ થયા બાદ ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો. વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. પરિણામે ભારત ‘A’નો સ્કોર માત્ર 16 રનમાં 2 વિકેટ થઈ ગયો.આ સ્થિતિમાં ભારત મુશ્કેલીમાં દેખાઈ રહ્યું હતું. શરૂઆતના બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ ટીમને એક મજબૂત ભાગીદારીની જરૂર હતી અને અહીંથી ઋતુરાજ ગાયકવાડે જવાબદારી પોતાના ખભા પર લીધી.

ઋતુરાજ ગાયકવાડ બન્યા જીતના સાચા હીરો
મેચ પહેલાં મોટાભાગની ચર્ચા વૈભવ સૂર્યવંશીને લઈને હતી, મેચ પૂરી થયા બાદ તમામ પ્રશંસા ઋતુરાજ ગાયકવાડના નામે થઈ.રિયાન પરાગ ઈજાગ્રસ્ત થતા ઋતુરાજને ટીમમાં સ્થાન મળ્યું હતું. મળેલા આ અવસરનો તેમણે પૂરો લાભ લીધો. ગાયકવાડે 114 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. ટીમ મુશ્કેલીમાં હતી , ગાયકવાડે ધીરજ અને સમજદારીથી બેટિંગ કરી. તેમણે માત્ર રન બનાવ્યા નહીં, પરંતુ તેમણે ઇનિંગ્સને સંભાળી પણ રાખી. તેમની સદીના કારણે ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું.

તિલક વર્માની બેટિંગ કેમ બની ચર્ચાનો વિષય?
ઋતુરાજ ગાયકવાડની સદી જેટલી ચર્ચામાં રહી,એટલી જ ચર્ચા તિલક વર્માની ધીમી બેટિંગને લઈને થઈ.ગાયકવાડ અને તિલક વર્મા વચ્ચે ચોથી વિકેટ માટે 150 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.આ ભાગીદારી ભારત માટે મહત્વપૂર્ણ હતી, પરંતુ તિલકની બેટિંગની ગતિ પર સવાલો ઊભા થયા. તિલક વર્માએ 97 બોલમાં માત્ર 60 રન બનાવ્યા. તેમની સ્ટ્રાઈક રેટ આશરે 62 રહી હતી. આજના વનડે ક્રિકેટના માપદંડ પ્રમાણે આ ગતિ ઘણી ધીમી માનવામાં આવે છે. જ્યારે એક બાજુ ગાયકવાડ ઝડપથી સ્કોર આગળ વધારી રહ્યા હતા ત્યારે તિલક લાંબા સમય સુધી સિંગલ-ડબલમાં અટવાયેલા જોવા મળ્યા.ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો તિલક થોડું વધુ આક્રમક રમ્યા હોત તો ભારત 300ની નજીકનો સ્કોર બનાવી શકતું. આ જ કારણ છે કે જીત છતાં ઘણા ચાહકોને મેચ અધૂરી લાગી હતી.

નીચલા ક્રમે ઝડપી રન આવ્યા
અંતિમ ઓવરોમાં ભારત માટે સૂર્યાંશ શેડગે અને આયુષ બદોનીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.સૂર્યાંશ શેડગેએ માત્ર 14 બોલમાં અણનમ 26 રન ફટકાર્યા, જ્યારે આયુષ બદોનીએ 18 બોલમાં 24 રન બનાવ્યા. આ બંને ખેલાડીઓના ઝડપી રનના કારણે ભારતનો સ્કોર 277/6 સુધી પહોંચી શક્યો.જો અંતિમ ઓવરોમાં આ ઝડપી રન ન આવ્યા હોત તો ભારત કદાચ 250 રનની આસપાસ જ અટકી જાત.

શ્રીલંકાએ આપ્યો જોરદાર પડકાર
278 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ‘A’ ટીમે ભારતને સરળ જીત મેળવવા દીધી નહોતી. જો કે શ્રીલંકાના બેટ્સમેનોએ સતત લડત આપી અને મેચને છેલ્લી ક્ષણ સુધી જીવંત રાખી. એક સમયે એવું લાગતું હતું કે મેચ શ્રીલંકાના પક્ષમાં જઈ શકે છે.ભારતીય બોલરો માટે આ મુકાબલો સરળ રહ્યો નહોતો. તેમ છતાં અંતિમ ઓવરોમાં ભારતીય બોલરોએ દબાણ જાળવી રાખ્યું અને શ્રીલંકાને જીતથી માત્ર 8 રન દૂર રોકી દીધી.

બોલરોએ બચાવી ભારતની લાજ
જ્યારે બેટિંગમાં કેટલીક ખામીઓ જોવા મળી ત્યારે બોલરોએ ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.અંતિમ તબક્કામાં ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના કારણે શ્રીલંકાની ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહીં. ખાસ કરીને છેલ્લી ઓવરોમાં વિકેટો ઝડપીને ભારતે મેચ પોતાના પક્ષમાં કરી લીધી.અહેવાલો મુજબ અંતિમ તબક્કામાં ભારતીય બોલરોના દબાણને કારણે શ્રીલંકાની ઇનિંગ્સ તૂટી પડી હતી અને ભારતે રોમાંચક જીત નોંધાવી હતી.

જીત છતાં કેમ લાગી અધૂરી?
આ મેચમાં ભારત જીત્યું હોવા છતાં કેટલાક સવાલો હજુ યથાવત્ છે.સૌથી પહેલો પ્રશ્ન વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનને લઈને છે. IPLમાં ધમાલ મચાવનાર ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘A’ ટીમ સામે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો.બીજો મુદ્દો તિલક વર્માની ધીમી બેટિંગ છે. તેમની 60 રનની ઇનિંગ્સ ટીમ માટે ઉપયોગી હતી, પરંતુ તે વધુ ઝડપથી આવી હોત તો ભારતનો સ્કોર ઘણો મોટો બની શક્યો હોત.ત્રીજો મુદ્દો એ છે કે 277 રનનો સ્કોર બનાવ્યા પછી પણ ભારતને અંતિમ ઓવર સુધી સંઘર્ષ કરવો પડ્યો. આ દર્શાવે છે કે ટીમ હજુ પણ કેટલીક બાબતોમાં સુધારાની જરૂરિયાત અનુભવે છે.

આગળ શું?
ભારત ‘A’ માટે સૌથી સકારાત્મક બાબત ઋતુરાજ ગાયકવાડનું ફોર્મ છે. સદી ફટકારીને તેમણે પસંદગીકારોને મજબૂત સંદેશ આપ્યો છે. બીજી તરફ વૈભવ સૂર્યવંશી પાસે આગામી મેચોમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક રહેશે.સાથે જ
દાંબુલામાં મળેલી આ જીત ભારત માટે મહત્વપૂર્ણ રહી, પરંતુ આ જીતે એટલું પણ સ્પષ્ટ કરી દીધું કે ટ્રાય નેશન સિરીઝમાં આગળ વધવા માટે ટીમને બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં વધુ સંતુલિત અને સતત પ્રદર્શન કરવું પડશે. ઋતુરાજની સદી અને બોલરોની મહેનતના કારણે ભારત જીત્યું, પરંતુ વૈભવનું નિષ્ફળતા અને તિલકની ધીમી બેટિંગને કારણે આ જીત ક્યાંક ને ક્યાંક અધૂરી લાગતી રહી.

Most Popular

To Top