દેશભરમાં ગરમીથી ત્રસ્ત લોકોને હવે રાહત મળવાની આશા વધી રહી છે. દક્ષિણ ભારતમાં જોરદાર શરૂઆત કર્યા બાદ દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન હવે પૂર્વ અને મધ્ય ભારત તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અનુમાન મુજબ મોન્સૂન આગામી દિવસોમાં બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ તરફ આગળ વધશે, જ્યારે ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ મોન્સૂન પહેલાં જ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે,
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂને 4 જૂને કેરળમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે કર્ણાટક, ગોવા, તમિલનાડુ અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ઝડપથી આગળ વધીને સક્રિય સ્થિતિ દર્શાવી છે. 9 જૂન સુધીમાં મોન્સૂન સિક્કિમ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના વિસ્તારો સુધી પહોંચી ગયું છે.હાલમાં બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વાદળછાયું વાતાવરણ, વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વધી રહી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો સતત પ્રવેશી રહ્યા હોવાથી આગામી થોડા દિવસોમાં ચોમાસું આ રાજ્યોમાં સત્તાવાર રીતે પ્રવેશી શકે છે.
છત્તીસગઢમાં પણ મોન્સૂન પૂર્વની પ્રવૃત્તિઓ તેજ બની છે. આગામી ત્રણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.બીજી તરફ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પશ્ચિમી વિક્ષેપ અને ભેજયુક્ત પવનોના પ્રભાવને કારણે મોન્સૂન પહોંચે તે પહેલાં જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની લોકોને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના છે, જોકે પૂર્વ ભારત, પૂર્વ-મધ્ય ભારત અને કેટલાક ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.મહત્વ નું છે કે કૃષિ ક્ષેત્ર માટે મોન્સૂન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે દેશના કુલ વાર્ષિક વરસાદનો લગભગ 70 ટકા હિસ્સો ચોમાસા દરમિયાન પડે છે. ધાન, મકાઈ, કપાસ, સોયાબીન અને શેરડી જેવા પાકો માટે સમયસર અને સારો વરસાદ જરૂરી છે. મોન્સૂનની પ્રગતિ ખેડૂતો માટે સારા સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
હાલના અનુમાન મુજબ આગામી સપ્તાહ દરમિયાન દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તર ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે. જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને હીટવેવની સ્થિતિમાં નોંધપાત્ર રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.