World

ઈરાન શાંતિ કરાર પહેલાં જ લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ફરી મતભેદની ચર્ચા

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મતભેદો ચર્ચાનો વિષય બન્યા છે. ઈરાન સાથે સંભવિત યુદ્ધવિરામ અને શાંતિ કરારને લઈને વાટાઘાટો આગળ વધી રહી હોવાના દાવાઓ વચ્ચે ઈઝરાયલે લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી હવાઈ હુમલાઓ કર્યા હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં સામે આવ્યું છ

તાજેતરના દિવસોમાં ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ અને અંતિમ શાંતિ કરાર માટે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે બંને દેશોને સૈન્ય કાર્યવાહી અટકાવીને રાજદ્વારી માર્ગ અપનાવવાની અપીલ પણ કરી હતી. તેમ છતાં, ઈઝરાયલ તરફથી લેબેનોનમાં ફરી હુમલા થતાં આ સમગ્ર પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં નેતન્યાહુ સાથે સીધી વાતચીત કરી હતી અને ઈરાન સામે વધુ આક્રમક કાર્યવાહીથી દૂર રહેવા સૂચન કર્યું હતું. અમેરિકી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પનું માનવું છે કે આ સમયે કોઈપણ મોટો સૈન્ય સંઘર્ષ શાંતિ વાટાઘાટોને નુકસાન પહોંચાડી શકે છે.

બીજી તરફ નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ પોતાની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરે. તેમણે કહ્યું છે કે ઈરાન અથવા તેના સમર્થક સંગઠનો તરફથી કોઈપણ હુમલો થશે તો ઈઝરાયલ તેનો કડક જવાબ આપશે. ઈઝરાયલે ઈરાન સામે હુમલા રોકવાની વાત કરી હોવા છતાં લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ કામગીરી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે.
લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઔને પણ ઈઝરાયલને યુદ્ધના બદલે સંવાદનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે લાંબા ગાળાની સ્થિરતા માટે રાજદ્વારી ઉકેલ જરૂરી છે અને સતત હવાઈ હુમલાઓથી વિસ્તારમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઈરાન મુદ્દે વ્યૂહાત્મક મતભેદ વધી રહ્યા છે. ટ્રમ્પનું ધ્યાન શાંતિ કરાર અને વિસ્તારની સ્થિરતા તરફ છે, નેતન્યાહુ ઈરાન અને હિઝબુલ્લાહ સામે સખત લશ્કરી વલણ જાળવવા માગે છે. આ કારણે બંને નેતાઓ વચ્ચે તણાવ સર્જાયો હોવાના સંકેતો મળી રહ્યા છે.હાલ તો સમગ્ર વિશ્વની નજર માત્ર ઈરાન-ઈઝરાયલ સંબંધો પર છે. જો શાંતિ વાટાઘાટો સફળ થશે તો મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં રાહત મળી શકે છે. પરંતુ લેબેનોનમાં ચાલુ રહેલા હુમલાઓ અને સૈન્ય કાર્યવાહી એ દર્શાવે છે કે પ્રદેશમાં સ્થાયી શાંતિનો માર્ગ હજુ પણ પડકારોથી ભરેલો છે.

Most Popular

To Top