India

TMCમાં બળવો, INDIA ગઠબંધનમાં ભૂકંપ: શું હવે પરિસીમન બિલ માટે ભાજપ મેળવી શકશે બે તૃતિયાંશ બહુમતી?

દેશની રાજનીતિમાં એક મોટું રાજકીય સમીકરણ ઝડપથી બદલાતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં શરૂ થયેલા બળવાએ હવે રાષ્ટ્રીય સ્તરે અસર કરવાનું શરૂ કર્યું છે. TMCના અનેક સાંસદોએ પક્ષ નેતૃત્વ સામે બળવો પોકારી દીધો હોવાના અહેવાલો વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળનું NDA સંસદમાં વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી શકે તેવી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને પરિસીમન (Delimitation) બિલ અને મહિલા આરક્ષણ સાથે જોડાયેલા બંધારણીય સુધારાઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે..

અહેવાલો અનુસાર TMCના 28 લોકસભા સાંસદોમાંથી આશરે 20 સાંસદો બળવાખોર જૂથ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જૂથે લોકસભા અધ્યક્ષ સમક્ષ અલગ જૂથ તરીકે માન્યતા મેળવવા માટે રજૂઆત કરી હોવાનું કહેવાય છે. જો આ દાવો સાચો સાબિત થાય તો દળપલટા વિરોધી કાયદા હેઠળ તેમને રાહત મળી શકે છે, કારણ કે બે તૃતિયાંશ સભ્યોના સમર્થનથી અલગ જૂથને માન્યતા મળવાની જોગવાઈ છે.સાથેજ આ મામલે રાજકીય વિશ્લેષકો માને છે કે TMCમાં થયેલી આ તૂટફૂટનો સીધો ફાયદો NDAને મળી શકે છે. હાલની સ્થિતિમાં NDA લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી થોડું દૂર છે. એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે મહિલા આરક્ષણના અમલીકરણ પરિસીમન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ બંધારણીય સુધારા પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી બે તૃતિયાંશ બહુમતી ન મળતા બિલ આગળ વધી શક્યું નહોતું.

હવે જો TMCના બળવાખોર સાંસદો NDAને ટેકો આપે તો સંસદમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની સંખ્યા વધી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સરકાર આગામી મોન્સૂન સત્રમાં ફરી એકવાર પરિસીમન બિલ લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ દેશની લોકસભા બેઠકોના પુનર્વિભાજન અને સંખ્યામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીજી તરફ INDIA ગઠબંધન માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. TMCમાં આંતરિક વિખવાદ, DMK જેવા કેટલાક સાથી પક્ષોની અસંતોષભરી ભૂમિકા અને અનેક પ્રાદેશિક પક્ષો વચ્ચે વધી રહેલા મતભેદો ગઠબંધનની એકતા પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી INDIA બ્લોકની બેઠકમાં પણ ગઠબંધનની ભાવિ રણનીતિ અને આંતરિક એકતાને લઈને ચર્ચા થઈ હતી.

મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી દિલ્હી પહોંચીને બળવાખોર સાંસદોને મનાવવાના પ્રયાસોમાં લાગ્યા હોવાના મહત્વ ના અહેવાલો છે. જોકે, બળવાખોર જૂથ પોતાનું વલણ બદલવા તૈયાર નથી તેવી માહિતી સામે આવી રહી છે. TMCના વફાદાર નેતાઓએ બળવાખોરોને “દગાબાજ” ગણાવીને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.આ સમગ્ર ઘટનાક્રમને કારણે સંસદની રાજકીય ગણિતમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. જો NDAને જરૂરી સમર્થન મળી જાય તો પરિસીમન બિલ સહિતના મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ માટેનો માર્ગ સરળ બની શકે છે. બીજી તરફ INDIA ગઠબંધન માટે આ સંકટ તેના અસ્તિત્વ અને એકતા માટે મોટી કસોટી સાબિત થઈ શકે છે. આગામી મોન્સૂન સત્રમાં દેશની રાજનીતિ કઈ દિશામાં વળાંક લેશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

Most Popular

To Top