અમદાવાદ, તા. 6
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં નકલી ભારતીય ચલણી નોટો બનાવતા મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધીમાં રૂ. 28.94 લાખની નકલી ચલણી નોટો, પ્રિન્ટિંગ સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હોવાનું અને તેણે માર્ચ મહિનામાં વટવા વિસ્તારમાં આવેલા સતેજ હોમ્સ ખાતે મકાન ભાડે રાખીને ત્યાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય હાઈટેક સાધનોની મદદથી રૂ. 500ના દરની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓએ અંદાજે રૂ. 2.50 કરોડ જેટલી નકલી ચલણી નોટો તૈયાર કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં સૂરજ સહાની ઉ.વ. 20 રહે, બિહાર, રવિકુમાર શાહ ઉ.વ. 23, રહે બિહાર, વિરુ બઘેલ ઉ.વ. 25, રહે ઉત્તર પ્રદેશ, ચંદ્રમોહન શર્મા ઉ.વ. 23, રહે, ઉત્તરપ્રદેશ અને એક કિશોર તેમજ મેરાજ રબારી ઉ.વ. 49 રહે, બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર કૌભાંડનો ભાંડો વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના એક કેસની તપાસ દરમિયાન ફૂટ્યો હતો. મૃતક ઈમરાન સિંધાના ફ્લેટમાંથી નકલી ચલણી નોટો બનાવવા માટે વપરાતા સાધનો, સામગ્રી અને રૂ. 500ની નકલી નોટો મળી આવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ઈમરાન સિંધા, વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ, રવિકુમાર, ચંદ્રમોહન, સુરજ (કિશોર) સહિતના આરોપીઓ નકલી ચલણી નોટો બનાવીને વિવિધ માધ્યમો દ્વારા બજારમાં ફરતી કરતા હતા. આરોપીઓએ નકલી નોટોના ઉત્પાદન માટે ભાડાના મકાનમાં સંપૂર્ણ સેટઅપ ઊભું કર્યું હતું.
અમદાવાદ શહેર પોલીસના ઝોન-8ના ડીસીપી મયુર પાટીલએ જણાવ્યું હતુ કે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના એક કેસની તપાસ દરમિયાન નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમાં ઈમરાન સિંધાની હત્યા બાદ તેના સાગરિતો અંદાજે રૂ. 30 લાખની નકલી ચલણી નોટો, કલર પ્રિન્ટર, લેપટોપ અને અન્ય સાધનો સાથે ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વટવા પોલીસ અને એલસીબીની અલગ-અલગ ટીમો બનાવીને ટેક્નિકલ સર્વેલન્સ ટીમોએ તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના મહેરા ચૌધરી ગામમાં રહેતા આરોપી ચંદ્રમોહનના ઘરે સંતાડવામાં આવેલી નકલી ચલણી નોટો, લેપટોપ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજસ્થાનના ધોલપુરમાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે વીરુ બઘેલના સંબંધીના ઘરે છુપાવવામાં આવેલ કલર પ્રિન્ટર અને અન્ય સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા.
આ કેસમાં અત્યાર સુધી પાંચ મુખ્ય આરોપીઓ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેમના સાગરિત મેરાજભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 28.94 લાખની નકલી ચલણી નોટો જપ્ત કરી છે અને સમગ્ર નેટવર્ક, સપ્લાય ચેઇન તેમજ અન્ય સંભવિત સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.