National

CJI સૂર્યકાંતના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ, ભારતીય હાઈકમિશનનો વિરોધ

યુનિવર્સિટી ઓફ લંડનના બિર્કબેક કેમ્પસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક કાર્યક્રમ દરમિયાન સર્જાયેલા વિવાદ બાદ લંડન સ્થિત ભારતીય હાઈકમિશને કડક પ્રતિક્રિયા આપી છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો દ્વારા ભારતમાં લોકશાહી અને અસંમતિના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભારતીય હાઈકમિશને નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત 4 જૂને બિર્કબેક, યુનિવર્સિટી ઓફ લંડનમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો’ વિષય પર વ્યાખ્યાન આપવા પહોંચ્યા હતા. તેમના સંબોધન બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ભારતમાં અસંમતિ પ્રત્યે વધતી કથિત અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા ભારતના લોકતાંત્રિક વાતાવરણ અને અસંમતિના અવાજોને લઈને પ્રશ્ન પૂછતી જોવા મળી હતી. મહિલાએ મુખ્ય ન્યાયાધીશના તાજેતરના કેટલાક નિવેદનોનો ઉલ્લેખ કરીને પણ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્યક્રમના સંચાલકોએ આ પ્રશ્ન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમનો વિષય માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો હતો. તેથી વિષય સાથે અસંબંધિત રાજકીય અથવા અન્ય પ્રશ્નોને ચર્ચામાં સામેલ કરવામાં આવશે નહીં. ઘટના બાદ લંડન સ્થિત ભારતીય હાઈકમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કર્યું હતું. હાઈકમિશને જણાવ્યું કે કોઈપણ આયોજિત કાર્યક્રમમાં ઈરાદાપૂર્વક ખલેલ પહોંચાડવાનો પ્રયાસ અસ્વીકાર્ય છે. લોકશાહીમાં અલગ-અલગ મંતવ્યો હોવા સ્વાભાવિક છે, પરંતુ તે સન્માનપૂર્ણ અને સભ્ય રીતે વ્યક્ત થવા જોઈએ.

હાઈકમિશને વધુમાં જણાવ્યું કે જાહેર ચર્ચા અને સંવાદની એક મર્યાદા હોય છે, જેનું પાલન કરવું જરૂરી છે. કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કરવો અથવા ચર્ચાને અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ સ્વસ્થ લોકશાહી પરંપરાઓ સાથે સુસંગત નથી. વિવાદ વચ્ચે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પોતાના સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અને તેના કાયદાકીય પાસાઓ પર મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર બધું નિર્ભર રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાયદાનું કાર્ય ટેકનોલોજીની પ્રગતિને રોકવાનું નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે ટેકનોલોજીનો ઉપયોગ બંધારણીય મૂલ્યો, લોકશાહી સિદ્ધાંતો અને માનવીય ગૌરવ સાથે સુસંગત રહે. AI જેવી આધુનિક ટેકનોલોજીનો વિકાસ જવાબદારી અને પારદર્શિતા સાથે થાય તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું. આ સમગ્ર ઘટનાએ લંડનમાં આયોજિત એક શૈક્ષણિક કાર્યક્રમને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. જોકે ભારતીય હાઈકમિશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતભેદ વ્યક્ત કરવાનો અધિકાર સૌને છે, પરંતુ તે શિસ્ત અને સંવાદની મર્યાદા જાળવીને જ થવો જોઈએ.

Most Popular

To Top