Gujarat

કીમ રેલવે સ્ટેશન પર જાહેરમાં બિયર પાર્ટી! મુસાફરો વચ્ચે યુવકોનો વીડિયો વાયરલ, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન પર જાહેર સ્થળે બે યુવકો દ્વારા ખુલ્લેઆમ બિયરનું સેવન કરવામાં આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ અને વ્યસ્ત જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને કાયદાના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.સ્થાનિકો પાસે થી મળતી માહિતી મુજબ, કીમ રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર નજીક બે યુવકો કોઈપણ પ્રકારના ભય કે સંકોચ વિના બિયર પીતા જોવા મળ્યા હતા. ઘટનાના સમયે સ્ટેશન પર મુસાફરોની અવરજવર ચાલુ હતી, તેમ છતાં બંને યુવકો જાહેરમાં નશાનું સેવન કરતા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

આ ઘટનાના દૃશ્યો સામે આવતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની સતત અવરજવર ધરાવતા સ્થળે આવી પ્રવૃત્તિઓ જાહેર સુરક્ષા અને સામાજિક શિસ્ત માટે ખતરો બની શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂનું સેવન કરતા યુવકો પરપ્રાંતીય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તેમની ઓળખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી અને સંબંધિત તંત્ર દ્વારા પણ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી કીમ રેલવે સ્ટેશન ,આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વોની અવરજવર વધી રહી છે. ખાસ કરીને સાંજના અને મોડી રાત્રિના સમયે શંકાસ્પદ લોકોના ટોળાં જોવા મળતા હોવાની ફરિયાદો પણ સમયાંતરે સામે આવી રહી છે.રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ દારૂનું સેવન કરવું નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે. આવી પ્રવૃત્તિઓ માત્ર જાહેર વ્યવસ્થાને જ નહીં પરંતુ મુસાફરોની સુરક્ષાને પણ અસર કરી શકે છે. જેના કારણે સ્થાનિકોએ રેલવે સુરક્ષા દળ (RPF), Government Railway Police (GRP) અને સ્થાનિક પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને સતત દેખરેખ રાખવાની માંગ ઉઠાવી છે.

સ્થાનિકોનું કહેવું છે કે રેલવે સ્ટેશન જેવા મહત્વપૂર્ણ જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. સાથે જ નિયમોનો ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો મુસાફરોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે.હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સંબંધિત તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Most Popular

To Top