Gujarat

દરિયા, ડેમ અને નદીઓમાં ન્હાવા પર પ્રતિબંધ, દેવભૂમિ દ્વારકા તંત્રનો મોટો નિર્ણય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતી ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લામાં આવેલા તમામ મુખ્ય જળસ્ત્રોતોમાં ન્હાવા તેમ જ પ્રવેશ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ હેઠળ નદીઓ, તળાવો, નહેરો, દરિયા કિનારા તેમજ ડેમ સહિતના તમામ નાના-મોટા જળાશયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના સ્તરમાં અચાનક વધારો, તીવ્ર પ્રવાહ અને અન્ય જોખમોને કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે. જાહેરનામા અનુસાર હવે કોઈપણ વ્યક્તિને આ જળાશયોમાં ન્હાવાની મંજૂરી રહેશે નહીં. એટલું જ નહીં, સુરક્ષાના કારણોસર જળસ્ત્રોતોની નજીક જવા અથવા તેમાં પ્રવેશ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગોને નિયમોનું કડક પાલન કરાવવાની સૂચના આપવામાં આવી છે. તંત્રે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતી જોવા મળશે, તો તેની સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે પોલીસ કેસ પણ નોંધવામાં આવી શકે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયા, નદી અને ડેમોમાં ન્હાવા જતા લોકો ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે. આવા બનાવો અટકાવવા અને માનવજીવનની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની તથા પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરે અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવાનું ટાળે.

Most Popular

To Top