Gujarat

તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ: આજે પણ ન્યાય માટે વલખાં ખાતા પીડિત પરિવારો

22 આશાસ્પદ યુવાનોના જીવ લેનારી દુર્ઘટનાની યાદ આજે પણ સુરતને ઝંઝોડી જાય છે

સુરત શહેરના ઇતિહાસમાં કાળો અધ્યાય બની ગયેલા તક્ષશિલા અગ્નિકાંડને આજે સાત વર્ષ પૂર્ણ થયા છે. 24 મે, 2019ના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું.સરથાણા વિસ્તારની તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા,જ્યારે અનેક યુવક-યુવતીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

આજે સાત વર્ષ બાદ પણ મૃતકોના પરિવારજનો અને બચી ગયેલા વિદ્યાર્થીઓ ન્યાય માટે ભટકી રહ્યા છે. કેસની કાર્યવાહી હજુ કોર્ટમાં ચાલુ છે અને અનેક મહત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો બાદ હવે તપાસમાં બેદરકારી દાખવનાર કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ સવાલો ઊભા થયા છે.

કેવી રીતે બની હતી આ હૃદયદ્રાવક ઘટના?
તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતો હતો. બપોરના સમયે અચાનક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખું બિલ્ડિંગ ધુમાડા અને જ્વાળાઓથી ઘેરાઈ ગયું હતું , ઘણા વિદ્યાર્થીઓ બચવા માટે બારી અને છત પરથી કૂદવા મજબૂર બન્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ જીવતા સળગી ગયા હતા તો કેટલાકે બિલ્ડિંગ પરથી કૂદીને જીવ ગુમાવ્યો હતો. ઘટનાના દ્રશ્યો આજે પણ લોકોના દિલને કંપાવી દે તેવા છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે ફાયર વિભાગની કામગીરી અને સલામતીના સાધનો અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાનો આરોપ લાગ્યો હતો.

મૃતકોના પરિવારનો આક્ષેપ: “હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી”
દુર્ઘટનામાં સંતાનો ગુમાવનાર માતા-પિતાનું કહેવું છે કે સાત વર્ષ બાદ પણ કેસમાં ન્યાયની ગતિ અત્યંત ધીમી છે. અનેક આરોપીઓ જામીન પર બહાર આવી ચૂક્યા છે અને તપાસની દિશા અંગે પણ પરિવારજનો અસંતુષ્ટ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, શરૂઆતથી જ કેસમાં અનેક ગેરરીતિઓ થઈ હતી. કેટલાક પુરાવા અને જવાબદાર લોકો સામે પૂરતી કડક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે તપાસ દરમિયાન તે સમયના પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે ચર્ચા તેજ બની છે.

પોલીસ અધિકારીઓ સામે પણ ઊભા થયા સવાલ
આ કેસમાં અત્યાર સુધીમાં અનેક સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, ઘટનાની તપાસ દરમિયાન બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને નિવેદનો સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓ પર દબાણ વધ્યું છે. પીડિત પરિવારોનું કહેવું છે કે માત્ર બિલ્ડિંગ માલિકો અથવા ક્લાસ સંચાલકો જ નહીં, પરંતુ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા તમામ તંત્ર સામે કાર્યવાહી થવી જોઈએ.

બિલ્ડિંગ સુરક્ષા મુદ્દે તંત્ર હજુ કેટલું સજાગ?
તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.અનેક કોમર્શિયલ બિલ્ડિંગો, કોચિંગ ક્લાસીસ અને હોસ્પિટલોની તપાસ હાથ ધરાઈ હતી.પરંતુ આજે પણ અનેક સ્થળોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું નથી એવી ફરિયાદો સામે આવે છે. તંત્રની કામગીરી અંગે લોકોમાં સવાલો યથાવત છે.

“અમારા બાળકો પાછા નહીં આવે, પણ ન્યાય તો મળવો જોઈએ”
મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોનું દુઃખ આજે પણ યથાવત છે. તેઓનું કહેવું છે કે તેમના બાળકો હવે પાછા નહીં આવે, પરંતુ આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તે માટે જવાબદારોને કડક સજા મળવી જરૂરી છે. તક્ષશિલા અગ્નિકાંડ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ તંત્રની બેદરકારી, નિયમોના ભંગ અને સલામતી પ્રત્યેની ઉદાસીનતાનું જીવતું ઉદાહરણ બની ગયું છે. આજે સાત વર્ષ બાદ પણ સુરત શહેર આ દુર્ઘટનાની યાદથી કંપી ઉઠે છે.

Most Popular

To Top