Charchapatra

ઉર્જા ક્ષેત્ર : ‘‘ થોરિયમ ઉર્જા અને ભારતનું ભવિષ્ય’’

હાલમાં જ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ વપરાશ પર કરકસર કરવા, મેટ્રો વાપરવા, વિદેશ પ્રવાસ પર નિયંત્રણ રાખવા અને એક વર્ષ સોનું ન ખરીદવા સૂચન કર્યું છે. મારાં કેટલાંક સૂચનો આ મુજબ છે.  (2) ખાણીપીણીના ક્ષેત્રમાં જ જો નીતિ આયોગ વિદેશી કંપનીઓના દેશી ફ્રેન્ચાઈઝી ધારકો – દલાલો બંધ કરાવવા સરકારને ભલામણ કરશે તો રૂપિયો મજબૂત થશે. (3) સોનું, જમીન, જમીનની જંત્રી અને ભ્રષ્ટાચાર એકબીજા સાથે સંકળાયેલાં છે. આ કડીઓ કોઈ સરમુખત્યાર જ તોડી શકે કેમકે ઘણાં આવાં કામો કે હવાલામાં ધર્મને નામે આશીર્વાદ અપાતા હોય છે.

(4) મેટ્રોના ઉપયોગને આકર્ષવા દશ ફૂટ પહોળાઈની ફૂટપાથો અને રસ્તો ઓળંગવા અંડરપાસ હોવા જોઈએ. ચાલવાનું મન થાય તેવી સજાવટો કે વૃક્ષ વેલીઓ રસ્તાની બંને બાજુ હોવી જોઈએ. ફૂટપાથ વિનાના રસ્તાઓ પણ નાના મોટા વાહન અકસ્માતોનું કારણ છે. (5) પેટ્રોલ ડીઝલ પર આધાર ઘટાડવા થોરિયમ-યુરેનિયમ આધારિત ઊર્જા ઉત્પન્ન કરવી જરૂરી છે. ઋણ આધારિત ભૌતિક નિર્માણ કાર્યો પર પુનર્વિચારણા કરવી જોઈએ. ભારતમાં સોનાની ખાણો નથી. થોરિયમ વિપુલ પ્રમાણમાં છે, પરતું તેનો ઊર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ થાય તો કોલસાના વેપારીઓના સ્થાપિત આર્થિક હિતોને આડઅસર થાય તેમ બને.

તેથી જ કદાચ પડદા પાછળના ખેલાડીઓએ મીઠી વિરડી એટમિક પાવર પ્લાન્ટના આયોજન સામે આંદોલન કરાવ્યું હોઈ શકે. (6) ૨૦૨૪ માં પાંચ લાખ જેટલાં ભારતીયો વિયેટનામ ગયાં, જ્યારે માત્ર ચાળીસ હજાર વિયેટનામીઓ ભારતના પ્રવાસે આવ્યાં. ભારતીયો તુર્કીના પ્રવાસે જાય છે, પરંતુ તુર્કીઓ યુરોપના પ્રવાસે જાય છે. પ્રવાસ કરારોથી સ્થાનિક પ્રવાસ ઉદ્યોગ પર વિપરીત અસર થાય છે. વિદેશ પ્રવાસ વિદ્યાપ્રાપ્તિ, ધર્મના પ્રચાર કે વેપાર માટે હોવો જોઈએ. ભારતે ડો. વી. વી. કુરિયન કે એપીજે કલામને દેશના બજેટમાંથી વિદેશ મોકલી ક્રાંતિ કરી. હવે આવું કેમ ન બની શકે?
અમદાવાદ          – કુમારેશ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top