Gujarat

સાત હજારથી વધુ મેડિકલ સ્ટોરોની હડતાળ

ઑનલાઇન દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટ સામે દેશવ્યાપી વિરોધ

દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટોએ ઑનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટની નીતિના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળની અસર ગુજરાત સહિત સુરતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સુરત શહેરમાં અંદાજે 7 હજારથી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો આ બંધમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે.

ફાર્માસિસ્ટો અને મેડિકલ સ્ટોર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આ વિરોધ પાછળનું મુખ્ય કારણ ઑનલાઇન ફાર્મસી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓની ઉપલબ્ધતા અને પરંપરાગત મેડિકલ સ્ટોરના વેપાર પર પડતી ગંભીર અસર છે. વેપારીઓનું કહેવું છે કે ઑનલાઇન પ્લેટફોર્મ્સની અનિયમિત નીતિઓના કારણે નાના અને મધ્યમ મેડિકલ સ્ટોરોના અસ્તિત્વ સામે સંકટ ઊભું થયું છે.

હડતાળ દરમિયાન અનેક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે 24 કલાક ખુલ્લા રહેતા કેટલાક મેડિકલ સ્ટોરોએ પણ આંદોલનને સમર્થન આપતા શટર ડાઉન રાખ્યા હતા. જોકે, દર્દીઓને તાત્કાલિક અને જરૂરી દવાઓ મળી રહે તે માટે કેટલીક હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર અને ઇમરજન્સી સેવાઓને આ બંધમાંથી મુક્ત રાખવામાં આવી હતી.મેડિકલ સ્ટોર સંચાલકોના જણાવ્યા અનુસાર, ઑનલાઇન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકોને આકર્ષે છે, જેના કારણે સ્થાનિક દુકાનદારોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત, નિયમોનું પાલન કર્યા વગર દવાઓની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાના પણ આરોપો ઉઠાવવામાં આવ્યા છે.

ફાર્માસિસ્ટોનું કહેવું છે કે દવાઓ કોઈ સામાન્ય વસ્તુ નથી અને યોગ્ય માર્ગદર્શન વિના તેનું વેચાણ લોકોના આરોગ્ય માટે જોખમી બની શકે છે. ફેડરેશન અને એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ઑનલાઇન ફાર્મસી માટે કડક નિયમો બનાવવામાં આવે, ભારે ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ મૂકવામાં આવે અને પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આંદોલનનું નેતૃત્વ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે જો સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સ્થાનિક ફાર્મસી એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પરંપરાગત મેડિકલ સ્ટોરો માત્ર વેપારનું કેન્દ્ર નથી, પરંતુ લોકો માટે તાત્કાલિક આરોગ્ય સેવા પૂરી પાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ઑનલાઇન વેચાણના વધતા પ્રભાવથી હજારો લોકોના રોજગાર પર પણ સીધી અસર પડી રહી છે.

હડતાળને કારણે શહેરના અનેક વિસ્તારોમાં દર્દીઓ અને સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો અને નિયમિત દવાઓ લેતા દર્દીઓને પરેશાની થઈ હતી. જોકે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાના નિર્ણયને કારણે ગંભીર પરિસ્થિતિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વેપારીઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ઑનલાઇન અને ઑફલાઇન મેડિકલ વ્યવસાય માટે સમાન નિયમો લાગુ કરવામાં આવે અને સ્થાનિક વેપારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવે. હાલ આ મુદ્દે સરકાર અને સંગઠનો વચ્ચે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top