Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી 9.30 કિલો હેરોઈન જપ્ત

અમદાવાદ: અમદાવાદમાં કસ્ટમ્સના ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ અધિકારીઓએ 9.30 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી એક પ્રવાસીની ધરપકડ કરી છે. દાણચોરીના આ હેરોઈનની કિમત કરોડોમાં થવા જાય છે.
માહિતી મુજબ, ક્વાલાલમ્પુરથી અમદાવાદ આવેલા એક મુસાફરની હેન્ડ બેગેજના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ તસવીરો દેખાતા કસ્ટમ્સ અધિકારીઓએ મુસાફરને અટકાવી તેની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુસાફરની બેગમાંથી “Gluta Grow” અને “Crackers Coconut Flavour” નામથી લેબલ કરાયેલા અનેક પેકેટ મળી આવ્યા હતા. શરૂઆતમાં આ પેકેટમાં ફૂડ સપ્લિમેન્ટ અને ખાદ્ય વસ્તુઓ હોવાનું જણાતું હતું, પરંતુ સઘન ચકાસણી દરમિયાન તેમાં સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ મળી આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હેરોઈન હોવાની પુષ્ટિ થતાં કુલ 9.30 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે પ્રવાસીની NDPS Act, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ કાર્યવાહી પહેલાં 16 મે, 2026ના રોજ પણ કસ્ટમ્સ વિભાગે થાઈલેન્ડથી આવેલા એક પ્રવાસી પાસેથી 6.54 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ટ્રોલી બેગમાં વેક્યૂમ-સીલ પેકેટમાં છુપાવવામાં આવેલો ગાંજો ઝડપાયો હતો. તે કેસમાં પણ મુસાફરની NDPS Act હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top