Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પર આજે વહેલી સવારે અને ત્યારબાદ આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોમાં બે અલગ અલગ કાર્યવાહીમાં હાઈબ્રીડ ગાંજો અને વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ચોક્કસ ગુપ્ત માહિતી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 16 અને 17 મેની મધરાતે થાઈ એરવેઝની ફ્લાઇટ TG-343 દ્વારા બેંગકોકથી અમદાવાદ આવેલા એક ભારતીય પ્રવાસીને રોકી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગમાંથી લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 6 વેક્યુમ સીલ પેકેટ મળી આવ્યા હતા.પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. કુલ 6.540 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹6 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. સમગ્ર જથ્થો કસ્ટમ્સના એર ઈન્ટેલીજન્સ યુનિટ દ્વારા NDPS Act, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ પ્રવાસી છત્તીસગઢના રાયપુરનો રહેવાસી નદીમ છે અને તેની આ પ્રથમ વિદેશ યાત્રા હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યાંથી ટ્રોલી બેગમાં હાઈબ્રીડ ગાંજો છુપાવીને અમદાવાદ લાવ્યો હતો. કસ્ટમ વિભાગને અગાઉથી જ ચોક્કસ બાતમી મળતા આ પ્રવાસી પર નજર રાખવામાં આવી રહી હતી.

કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રોલી બેગની બંને બાજુ ક્રોસનું નિશાન લગાવવામાં આવ્યું હતું, જેના આધારે કસ્ટમ અધિકારીઓએ તેને ઓળખી કાઢ્યો હતો. કન્વેયર બેલ્ટ પરથી બેગ ઉઠાવવામાં મુસાફર દ્વારા કરવામાં આવેલી હચકચાહટ પણ અધિકારીઓ માટે શંકાનું કારણ બની હતી. હાલ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે લાવવામાં આવ્યો હતો અને આ પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ આજે વહેલી સવારે ઈતીહાદ એરવેઝની ફ્લાઇટ EY-246 દ્વારા અબુધાબીથી અમદાવાદ આવેલા કેરળના બે પ્રવાસી પાસેથી વિદેશી સિગારેટનો મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને મુસાફરોમાંથી એક મલપ્પુરમ અને બીજો કોઝિકોડનો હોવાનું સામે આવ્યું છે.તપાસ દરમિયાન તેમની ટ્રોલી બેગમાંથી “મૅન્ચેસ્ટર” અને “ડનહિલ” બ્રાન્ડની કુલ 16,600 વિદેશી સિગારેટ મળી આવી હતી. અંદાજે ₹3 લાખની કિંમતનો આ જથ્થો કસ્ટમ્સના અધિકારીઓની ટીમ દ્વારા Customs Act, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top