સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે દેશમાં 27 મે, બુધવારના રોજ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ ઉજવવામાં આવશે. રવિવાર સાંજે ધુલ હિજ્જા મહિનાનો ચાંદ દેખાયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
ધુલ હિજ્જા ઇસ્લામિક કેલેન્ડરનો અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે, કારણ કે આ જ મહિનામાં હજ યાત્રા યોજાય છે. ચાંદ દેખાવા સાથે જ હજ સંબંધિત ધાર્મિક વિધિઓની શરૂઆત પણ થઈ ગઈ છે. સાઉદી અરેબિયા અનુસાર, હજ યાત્રાનું સૌથી મહત્વપૂર્ણ દિવસ ‘અરાફાતનો દિવસ’ 26 મે, મંગળવારના રોજ રહેશે. આ દિવસે લાખો યાત્રાળુઓ મક્કા નજીક આવેલા અરાફાતના મેદાનમાં ભેગા થઈને પ્રાર્થના કરે છે.
ઈદ-ઉલ-અઝહા મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ તહેવાર કુરબાની, ત્યાગ અને અલ્લાહ પ્રત્યેની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. હજ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. ઇસ્લામ અનુસાર, જે મુસ્લિમ શારીરિક અને આર્થિક રીતે સક્ષમ હોય, તેણે જીવનમાં ઓછામાં ઓછું એક વખત હજ યાત્રા કરવી જરૂરી માનવામાં આવે છે. હવે અન્ય દેશોમાં પણ ચાંદ દેખાવાના આધારે ઈદ-ઉલ-અઝહાની તારીખોની જાહેરાત થવાની શક્યતા છે. ભારતમાં સામાન્ય રીતે સાઉદી અરેબિયાના એક દિવસ બાદ બકરી ઈદ ઉજવવામાં આવે છે.