Gujarat

ગાંધીનગરમાં વિકાસ અને ઇનોવેશનના બે મોટા પ્રોજેકટનું અમીત શાહ દ્વારા લોકાર્પણ

NIDમાં ઇન્ક્યુબેશન-ઇનોવેશન સેન્ટર અને મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર,
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આજે ગાંધીનગરમાં ડિઝાઇન, ઇનોવેશન અને સહકાર ક્ષેત્રને નવી દિશા આપતા બે મહત્વપૂર્ણ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ ઈન્સ્ટી. ઓફ ડિઝાઈન (NID) ખાતે નવનિર્મિત “ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યારે ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના રૂ.128 કરોડના ખર્ચે બનેલા નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

“ડિઝાઇન ક્ષેત્રને IPL જેવી વ્યાવસાયિક ઓળખ આપવાની જરૂર” : અમિત શાહ
એનઆઈડી ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એનઆઈડી માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને એકસાથે જોડતી દેશની સર્વોચ્ચ સંસ્થા છે. તેમણે કહ્યું કે આજના સમયમાં યુવાનોમાં રહેલી ડિઝાઇન ક્ષેત્રની પ્રતિભાને શોધીને તેને કારકિર્દીલક્ષી બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.
ક્રિકેટના ઉદાહરણ સાથે તેમણે કહ્યું કે IPL આવ્યા બાદ જેમ ક્રિકેટમાં કારકિર્દીની નવી તકો ઊભી થઈ, તેવી જ રીતે ડિઝાઇન ક્ષેત્રમાં પણ પ્રતિભાશાળી યુવાનોને આર્થિક અને વ્યાવસાયિક પ્લેટફોર્મ મળવું જોઈએ. તેમણે એનઆઈડીમાં ડિઝાઇનર્સના કામને વૈશ્વિક બજારમાં પહોંચાડે તેવા નિષ્ણાતોનો અલગ વિભાગ શરૂ કરવાની પણ ભલામણ કરી હતી.શાહે જણાવ્યું હતું કે ડિઝાઇન હવે માત્ર કળા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સેમિકન્ડક્ટર, ચીપ ડિઝાઇન અને હાઈ-ટેક સેક્ટર સુધી તેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની છે. તેમણે “પાટણના પટોળા”ની ડિઝાઇનને ભારતના વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વારસાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

“ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ” – ભૂપેન્દ્ર પટેલ
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે 21મી સદીમાં ક્રિએટીવિટી, ઇનોવેશન અને ડિઝાઇનથી જ કોઈ રાષ્ટ્ર વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન Narendra Modi ના વિઝનથી NID આજે વૈશ્વિક બ્રાન્ડ બની ગયું છે.મુખ્યમંત્રીએ કહયું હતું કે “ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ”ના મંત્ર સાથે ભારતને વિશ્વનું ડિઝાઇન હબ બનાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. રાજ્ય સરકાર યુવા શક્તિના ટેલેન્ટ, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું

“વિકસિત ભારત માટે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ મહત્વપૂર્ણ” : પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બની ગયો છે. તેમણે કહ્યું કે ઇનોવેશન, ડિઝાઇન થિંકિંગ અને આંત્રપ્રિન્યોરશિપ “વિકસિત ભારત 2047”ના મુખ્ય આધારસ્તંભો છે.તેમણે એનઆઈડીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી ઇલેક્ટ્રિક કાર સહિતના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની પ્રશંસા કરતાં જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે વધુ મજબૂત જોડાણ ઉભું કરવાની જરૂર છે.
“ડેરી સેક્ટરમાં સર્ક્યુલર ઇકોનોમીથી પશુપાલકોની આવકમાં 20 ટકા વધારો લક્ષ્ય” : અમિત શાહ
ગાંધીનગરના દશેલા ખાતે રૂ.128 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં અમિત શાહે જણાવ્યું કે આ પ્લાન્ટ દૈનિક અઢી લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરશે અને ભવિષ્યમાં તેની ક્ષમતા પાંચ લાખ લીટર સુધી વધારવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પ્લાન્ટમાંથી થતી આવકનો આશરે 75 ટકા હિસ્સો સીધો પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનો દૈનિક ત્રણ કરોડ લીટર દૂધ દ્વારા અંદાજે રૂ.200 કરોડની આવક મેળવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “શ્વેત ક્રાંતિ 2.0” વિઝનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આગામી 10 વર્ષમાં દેશનું દૂધ ઉત્પાદન ત્રણ ગણું કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ડેરી સેક્ટરમાં “સર્ક્યુલર ઇકોનોમી”નો ઉપયોગ કરીને પશુપાલકોની આવકમાં ઓછામાં ઓછો 20 ટકા વધારો કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

“સહકારથી સમૃદ્ધિનો માર્ગ ગુજરાતે બતાવ્યો” : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધ રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના “સહકાર સે સમૃદ્ધિ” વિઝન હેઠળ સહકારી ક્ષેત્રને નવી દિશા મળી છે.તેમણે મધુર ડેરીની વિકાસગાથાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે માત્ર થોડા દૂધ ઉત્પાદક મંડળીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે કરોડોના ટર્નઓવર સુધી પહોંચી છે અને ગાંધીનગરવાસીઓના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પશુપાલકો, સહકારી આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top