રૂ.1.82 લાખના દાગીના અને રોકડ રકમ ગાયબ, પોલીસકર્મીના નિવાસસ્થાને જ તસ્કરોનો હાથ સાફ, પોલીસ બેડામાં ચકચાર
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરના ક્વાર્ટરમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં જ ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ કર્મચારીના નિવાસસ્થાને તસ્કરોએ ઘુસી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.82 લાખની માલમત્તા ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરના ક્વાર્ટરમાં રહેતા પોલીસકર્મી ભવેશભાઈ રામસીંગભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. બનાવના દિવસે તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના ક્વાર્ટરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો.
ફરિયાદ મુજબ તસ્કરોએ ઘરમાંથી આશરે રૂ.3,500ની રોકડ રકમ તેમજ સોનાની વિવિધ જ્વેલરી ચોરી કરી હતી. જેમાં સોનાની વીંટી, દાગીના અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે. કુલ ચોરી ગયેલી માલમત્તાની કિંમત અંદાજે રૂ.1.82 લાખ જેટલી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ઘટનાની જાણ થતા અઠવાલાઇન્સ પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પંચનામું કરી આસપાસના વિસ્તારના CCTV કેમેરાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તસ્કરોને ક્વાર્ટર વિશે અગાઉથી જાણકારી હોઈ શકે છે. પરંતુ પોલીસ હેડક્વાર્ટર જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં જ ચોરીની ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય લોકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ કર્મચારીઓના નિવાસસ્થાનમાં જ તસ્કરો ત્રાટકતા સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.