ન્યૂ યોર્કમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાઈટ્રેનોના પૈડા અટકતા લાખો મુસાફરો મુશ્કેલીમાં, 3,500થી વધુ કર્મચારીઓ મધરાતથી હડતાલ પર
અમેરિકાની સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતી Long Island Rail Road (LIRR) માં લગભગ 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ શરૂ થતાં સમગ્ર ન્યૂ યોર્ક વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર મોટી અસર જોવા મળી રહી છે. સાથે જ હજારો રેલવે કર્મચારીઓએ મધરાતથી અનિશ્ચિત હડતાલ શરૂ કરી દીધી છે, જેના કારણે લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, વેતન વધારો, હેલ્થકેર સુવિધાઓ અને અન્ય કર્મચારી હકોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ નિષ્ફળ જતા આ હડતાલ શરૂ થઈ છે. LIRR સાથે જોડાયેલા 3,500થી વધુ કર્મચારીઓ કામ છોડીને હડતાલ પર ઉતરી આવ્યા છે. આ કર્મચારીઓમાં એન્જિનિયર, સિગ્નલમેન, મેન્ટેનન્સ સ્ટાફ અને ટ્રેન ઓપરેશન સાથે જોડાયેલા અનેક કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ન્યૂ યોર્ક અને લોંગ આઈલેન્ડ વચ્ચે ટ્રાફિક પર ભારે અસર
LIRR અમેરિકાની સૌથી વ્યસ્ત પેસેન્જર રેલ સેવાઓમાંની એક ગણાય છે. દરરોજ લાખો લોકો ન્યૂ યોર્ક સિટી અને લોંગ આઈલેન્ડ વચ્ચે મુસાફરી માટે આ સેવા પર નિર્ભર રહે છે. ટ્રેનો બંધ થતાં હવે હજારો લોકો રોડ માર્ગ તરફ વળ્યા છે, જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ખાસ કરીને ઓફિસ જતાં લોકો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને અહી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂ યોર્કના અનેક મુખ્ય માર્ગો પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. બસ અને ટેક્સી સેવાઓ પર પણ ભારે દબાણ વધી ગયું છે.
30 વર્ષ બાદ સૌથી મોટી રેલ હડતાલ
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, છેલ્લા 30 વર્ષમાં આ સૌથી મોટી રેલવે હડતાલ માનવામાં આવી રહી છે. અગાઉ 1980ના દાયકામાં આવી જ મોટી હડતાલ જોવા મળી હતી. હાલની હડતાલને કારણે સમગ્ર અમેરિકામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે ન્યૂ યોર્કની અર્થવ્યવસ્થામાં LIRRનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. હડતાલના કારણે દરરોજ અંદાજે 2.9 લાખથી વધુ મુસાફરો સીધી અસર હેઠળ આવ્યા છે. અનેક લોકોને કામ પર પહોંચવામાં કલાકોનો વિલંબ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો કાર શેરિંગ અને ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે.
ત્રણ વર્ષથી ચાલી રહી હતી વાટાઘાટો
માહિતી અનુસાર, રેલવે કર્મચારી યુનિયન અને Metropolitan Transportation Authority (MTA) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વેતન અને અન્ય સુવિધાઓને લઈને ચર્ચા ચાલી રહી હતી. અમેરિકન સરકાર દ્વારા મધ્યસ્થતાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ અંતિમ ક્ષણ સુધી કોઈ સમાધાન થઈ શક્યું નહોતું. યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓ લાંબા સમયથી યોગ્ય વેતન વધારો અને સારી હેલ્થકેર સુવિધાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારી વચ્ચે હાલનું વેતન પૂરતું નથી. બીજી તરફ MTA દ્વારા કહેવામાં આવ્યું છે કે સંગઠન પર પહેલેથી જ આર્થિક દબાણ છે અને તમામ માંગણીઓ સ્વીકારવી મુશ્કેલ છે.
યુનિયનનો સરકાર અને MTA પર આરોપ
યુનિયન પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર અને MTA દ્વારા કર્મચારીઓની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવી નથી. એક યુનિયન નેતાએ જણાવ્યું હતું કે તેઓ હડતાલ કરવા માંગતા નહોતા, પરંતુ લાંબા સમયથી સમસ્યાઓનો ઉકેલ ન આવતા આ પગલું ભરવું પડ્યું છે. યુનિયનનું કહેવું છે કે કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરીને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચલાવે છે, પરંતુ તેમના હકો અને સુવિધાઓને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.
અમેરિકન અર્થતંત્ર પર પણ અસરની શક્યતા
નિષ્ણાતોનું માનવું છે કે જો આ હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ન્યૂ યોર્કના વેપાર અને અર્થતંત્ર પર પણ તેની મોટી અસર પડી શકે છે. ન્યૂ યોર્ક અમેરિકાની આર્થિક રાજધાની માનવામાં આવે છે અને દરરોજ લાખો લોકો કામ માટે શહેરમાં અવરજવર કરે છે.ટ્રાન્સપોર્ટ સેવા ખોરવાતા ઓફિસ, બિઝનેસ, વેપાર અને અન્ય સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે. ઘણા ખાનગી ઓફિસોએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી છે.
વૈકલ્પિક સેવાઓ શરૂ કરવાની તૈયારી
હાલ સ્થાનિક પ્રશાસન અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા ઉભી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વધારાની બસ સેવાઓ, કારપુલિંગ અને અન્ય વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. જોકે, ટ્રેનો જેટલી ક્ષમતા ઉપલબ્ધ કરવી મુશ્કેલ બની રહી છે.ન્યૂ યોર્કના મેયર અને અન્ય અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સરકાર અને યુનિયન વચ્ચે ફરી ચર્ચા શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બની હડતાલ
LIRR હડતાલ હવે સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કર્મચારીઓના સમર્થનમાં છે તો કેટલાક લોકો મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હાલ તમામની નજર સરકાર અને યુનિયન વચ્ચે થનારી આગામી ચર્ચા પર ટકેલી છે. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ન્યૂ યોર્કમાં ટ્રાન્સપોર્ટ સંકટ વધુ ગંભીર બની શકે છે.