સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કરેલા એક વિવાદાસ્પદ નિવેદન મામલે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. રામપુરની વિશેષ MP-MLA કોર્ટે તેમને સરકારી અધિકારી વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દોષિત જાહેર કરતા 2 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેમની પર 5000નો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદા બાદ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર મામલો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનો છે. રામપુરના ભોટ વિસ્તારમાં યોજાયેલી એક જાહેર સભા દરમિયાન આઝમ ખાને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કલેક્ટર-ફલેક્ટરથી ડરવાની જરૂર નથી. આ લોકો નોકરિયાત છે. માયાવતીના ઘણા ફોટા જોયા છે જેમાં મોટા અધિકારીઓ તેમના જૂતા સાફ કરતા હોય છે. અલ્લાહે ચાહ્યું તો અમે પણ તેમની પાસે જ જૂતા સાફ કરાવીશું.
આ નિવેદન સામે તે સમયે વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ થયો હતો. આરોપ મૂકવામાં આવ્યો હતો કે જાહેર મંચ પરથી આવી ભાષાનો ઉપયોગ કરીને આઝમ ખાને સરકારી અધિકારીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હતી અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની લાંબી સુનાવણી બાદ કોર્ટે ગવાહોના નિવેદન અને પુરાવાઓના આધારે આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. કોર્ટનું માનવું હતું કે જાહેર મંચ પરથી સરકારી અધિકારી વિરુદ્ધ આવી ટિપ્પણી કરવી કાયદા અને લોકશાહી બંને માટે અયોગ્ય છે. નોંધનીય છે કે આઝમ ખાન છેલ્લા ઘણા સમયથી અનેક કાનૂની વિવાદોનો સામનો કરી રહ્યા છે. તેમની સામે જમીન કબજા, ભડકાઉ ભાષણો અને અન્ય અનેક કેસો ચાલી રહ્યા છે. તેવામાં આ નવી સજા તેમના માટે વધુ એક મોટો રાજકીય અને કાનૂની ફટકો માનવામાં આવી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ચુકાદો રાજકારણીઓ માટે એક સંદેશ છે કે ચૂંટણી દરમિયાન જાહેર મંચ પરથી આપવામાં આવતા નિવેદનો માટે તેઓ જવાબદાર છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ હવે કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.