સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ગુજરાતને સતત મળતો રહે તે માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે, આ ઉપરાંત ગેસના પુરવઠાની સ્થિતિનું મોનિટરિંગ કરવા ચીફ સેક્રેટરીને તાકિદ કરાઈ છે. બેઠક બાદ કેબિનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરીને મુખ્યમંત્રીએ દૈનિક મોનિટરિંગની વ્યવસ્થા વધુ સક્રિય બનાવવા જણાવ્યું છે. રાજ્યમાં કંટ્રોલ રૂમ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ પૂરતો પુરવઠો જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સમયસર લોકોને મળે તે માટે પ્રતિબદ્ધ છે.
300 નવી એસટી બસ ઉદઘાટન સમારોહ વિના સીધી જ રસ્તા પર દોડશે
સરકારના એસ ટી નિગમ (GSRTC) દ્વારા આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર 300 નવી અત્યાધુનિક બસોને સીધી જ જનસેવામાં કાર્યરત કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સૌથી વિશેષ બાબત એ છે કે બસોના લોકાર્પણ માટે કોઈ ભવ્ય સમારોહ, રિબન કટિંગ કે વીઆઈપી કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવા મોટા કાર્યક્રમોમાં બસોને વિવિધ સ્થળોથી કાર્યક્રમ સ્થળે લાવવા-લઈ જવામાં હજારો લિટર ઈંધણ અને લાખો રૂપિયાનું સરકારી ખર્ચ થતો હોય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીતુ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા કરેલી અપીલને અનુસરી ગુજરાતના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ મહત્વનો નિર્ણય લઈને તેમનો આગામી અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાની જાહેરાત કરી છે. અગાઉ ડે.સીએમ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી હતી. માહિતી મુજબ, ચાલુ માસના અંતિમ અઠવાડિયામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય ન્યૂયોર્ક ખાતે યોજાનાર ‘ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન કોઓપરેટિવ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ’માં વિશેષ વક્તા તરીકે હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનના એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાના આહવાનને પ્રાધાન્ય આપીને તેમણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે.