Gujarat

‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદ: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ આજે ઈન્ડિયન ઈન્સ્ટી. ઓફ મેનેજમેન્ટ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ્સની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી હતી. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આઈઆઈએમ અમદાવાદના સહયોગથી યોજાયેલી આ બેઠકમાં દેશભરના આઈઆઈએમના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષો, નિયામકો તેમજ વિવિધ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન મંચના અધ્યક્ષ તરીકે પણ સેવા આપતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં આઈઆઈએમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે. બેઠક દરમિયાન વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારતની આઈઆઈએમ સંસ્થાઓ આજે માત્ર વ્યવસ્થાપન શિક્ષણ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના સૌથી મજબૂત પ્રેરક પરિબળોમાંથી એક તરીકે ઉભરી આવી છે. સાથે જ વૈશ્વિક સ્તરે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણના શ્રેષ્ઠ માળખા તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં કહ્યું હતું કે નવીનતા આધારિત વ્યવસ્થાને મજબૂત બનાવી, ઉભરતા વૈશ્વિક પડકારોને અનુકૂળ બની અને મૂલ્યઆધારિત શિક્ષણને પ્રોત્સાહન આપીને આઈઆઈએમ દેશની વિકાસયાત્રામાં વધુ નોંધપાત્ર ફાળો આપી શકે છે. આ સાથે વૈશ્વિક મંચ પર ભારતના અવાજને વધુ મજબૂત બનાવવામાં પણ આઈઆઈએમની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીએ આઈઆઈએમ વચ્ચે સહયોગ અને સંસ્થાકીય સંકલન મજબૂત કરવામાં સંકલન મંચની ભૂમિકાને અગત્યની ગણાવી હતી. બેઠક દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યોમાં આઈઆઈએમનું યોગદાન, સ્નાતક પ્રવેશ પરીક્ષાઓને દેશની ભવિષ્યની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવી, વ્યવસ્થાપન અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કાર્યપદ્ધતિ ઘડવી, વિદ્યાર્થીઓના એક સંસ્થાથી બીજી સંસ્થામાં સ્થળાંતર અને ફી પરત કરવાની નીતિને વધુ વ્યવસ્થિત બનાવવી જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.તે ઉપરાંત યુવા અધ્યાપકો અને નવી આઈઆઈએમ સંસ્થાઓને અનુભવી સંસ્થાઓમાં પ્રતિનિયુક્તિ દ્વારા અનુભવ આપવા માટે નીતિ ઘડવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અધ્યાપક તથા બિનઅધ્યાપક કર્મચારીઓ માટે અનામત વ્યવસ્થાના અમલીકરણ જેવા મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકને દેશની અગ્રણી વ્યવસ્થાપન સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Most Popular

To Top