અમદાવાદ: NEET પરીક્ષા પેપર લીક મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમદાવાદ મુલાકાત દરમિયાન IIM કેમ્પસ ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કાળા વાવટા બતાવ્યા હતા.
આ અંગે માહિતી મુજબ, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની અગાઉથી ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે કેન્દ્રીય શિક્ષણમંત્રીની અમદાવાદ મુલાકાત અને કાર્યક્રમને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મંત્રીના કાર્યક્રમોની વિગતો પહેલાથી જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને માહિતી મર્યાદિત રાખવામાં આવી હતી. તેમ છતાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો કાફલો IIM અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો ત્યારે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો અચાનક કાળા વાવટા અને કાળા કપડાં સાથે પહોંચી NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસ વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.