ગામના છેવાડે એક નાનકડા ઘરમાં રામજીભાઈ રહેતા — ૮૦ વર્ષના વૃદ્ધ પણ ટટ્ટાર ચાલે તેવા સ્વસ્થ, આમ સાવ એકલા, પણ હંમેશાં હસતાં અને બધાને પોતાના ગણતા.ઘરના ઓટલે બેસી આવતાં જતાંને રામ રામ કહેતા, થાક્યાને પાણી આપતા, કૂતરાને રોટલી ખવડાવતા, ક્યારેક ઓટલે જ જૂના મિત્ર સાથે વાતો કરતા અને હસતાં હસાવતાં રહેતાં. ગામના લોકોને રામજીભાઈને હંમેશા ખુશ જોઇને નવાઈ લાગતી કે આ ડોસાને કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, પત્ની સાથ છોડી ગઈ, બંને દીકરા શહેરમાં જતા રહ્યા. હવે પાછું વાળી જોતા પણ નથી.ખેતર અને મોટું ઘર પણ વેચીને અહીં નાના ઘરમાં એકલા ખુશીથી રહે છે. એક દિવસ એક યુવાને પૂછ્યું, ‘‘રામજીભાઈ, તમારી ખુશીનું રહસ્ય શું?’’ રામજીભાઈ બોલ્યા, ‘‘એક ક્ષણ જીવવું’.’ યુવાનને કંઈ સમજાયું નહિ.
તેણે કહ્યું, ‘‘એટલે શું?’’ યુવાનને ઓટલે બેસવાનું કહીને રામજીભાઈ હસીને ઊઠ્યા, ઘરમાં ગયા, ચા બનાવી — બે કપ ચા લઈને આવ્યા અને એક કપ યુવાનને આપ્યો, એક પોતે લીધો અને ઓટલા પર પોતાના સ્થાને બેસી ધીરા અવાજે બોલ્યા, ‘‘યુવાન દોસ્ત, મેં જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે. પત્ની ગઈ. સ્વર્ગમાં મારી રાહ જોતી હશે, દીકરાઓ મને એકલો મૂકી શહેર ચાલ્યા ગયા પણ ત્યાં સુખી છે, ખેતર અને ઘર મેં વેચી નાંખ્યાં, ખેતી ગઈ પણ ગુજરાન ચાલે છે એટલા પૈસા મળ્યા અને જીવનના આ બધા અનુભવ પરથી હું એક વાત ચોક્કસ સમજી ગયો — ભૂતકાળ ફોટો છે, ભવિષ્ય કલ્પના છે, વર્તમાન જ સત્ય છે. જે ક્ષણ સામે છે તે જ સાચી છે અને તે જ ક્ષણને મન ભરીને જીવો.’’
યુવાન ચુપચાપ તેમની વાત સાંભળતો રહ્યો.રામજીભાઈ આગળ બોલ્યા, ‘‘યુવાન દોસ્ત, મારો નિયમ છે, દરરોજ સૂર્ય ઊગે ત્યારે હું રોજ સવારે પોતાને જ પૂછું કે આજે એક સારું કામ કરીશ? કોઈને પાણી આપીશ કે ચા પીવડાવીશ, કોઈને ફૂલ આપીશ, સ્મિત આપીશ, કોઈને મદદ કરીશ?’’ બસ, આ એક સવાલ જાતને પૂછી લઈને પછી હું મારી આ ચા, આ ઓટલો, આ એક ક્ષણ, એક નાનકડું સારું કામ અને એક ખુશી મેળવી ખુશખુશાલ રહું છું.’’ રામજીભાઈએ ખુશીનું રહસ્ય સમજાવ્યું.