Gujarat

“છોકરાઓ દારૂ પીવે, કામ ન કરે તો દીકરી અન્ય સમાજના છોકરાને પસંદ કરે છે ” : અનાર પટેલ

“દીકરીઓ બીજા સમાજમાં જાય તો પહેલા છોકરાઓમાં ખામી શોધો”
પાટીદાર સમાજને અનાર પટેલનો આકરો સંદેશ, યુવાઓની જીવનશૈલી પર ઉઠાવ્યા સવાલ
પાલનપુરમાં અનાર પટેલે પાટીદાર સમાજને સંભળાવ્યું કડવું સત્ય
ખોડલધામથી સમાજ અને રાજકારણ સુધી, અનાર પટેલના નિવેદનથી ચર્ચાનો માહોલ

ગાંધીનગર

બનાસકાંઠાના પાલનપુરના ગઢ વિસ્તારમાં આયોજિત સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલે પાટીદાર સમાજ, યુવાપેઢી અને મહિલાઓની ભૂમિકા અંગે કરેલા સ્પષ્ટ અને તીખા નિવેદનોને કારણે રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં અનાર પટેલના નિવેદનોને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમમાં એસપીજીના લાલજી પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સંબોધન દરમિયાન અનાર પટેલે પાટીદાર સમાજમાં વધતા આંતરજ્ઞાતીય લગ્નોના મુદ્દે સીધી વાત કરતા જણાવ્યું હતું કે, “આપણી દીકરી ત્યારે જ બીજા સમાજમાં જાય છે જ્યારે આપણા સમાજના છોકરાઓમાં સક્ષમતા નથી હોતી.”

તેમણે વધુમાં કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે, “આપણા છોકરાઓ દારૂ પીતાં હોય, રખડતાં હોય કે કામ ન કરતાં હોય તો દીકરી અન્ય સમાજના છોકરાને પસંદ કરે છે. દરેક વખતે દીકરીઓને જ સલાહ કેમ આપવામાં આવે ? છોકરાઓની ખામીઓ પર પણ સમાજે વિચારવું જોઈએ.”

અનાર પટેલે મહિલાઓને સમાજનું નેતૃત્વ સંભાળવાની હાકલ કરતા જણાવ્યું કે સમાજરૂપી રથ બે પૈડાં પર ચાલે છે અને બહેનો સક્રિય બનશે તો જ સમાજ આગળ વધી શકશે. તેમણે મહિલાઓને સંગઠિત થઈ સામાજિક પરિવર્તનમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન નવા ખોડલધામના મુદ્દે પણ તેમણે ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું હતું. અનાર પટેલે કહ્યું કે સમાજમાં વિવિધ સંસ્થાઓ અને ધામો ઊભા થાય તેમાં કોઈ વાંધો નથી, પરંતુ કામોનું પુનરાવર્તન ન થવું જોઈએ. “ઉમિયાધામ બે છે, સરદારધામ બન્યું, ખોડલધામ બન્યું અને હવે નવું ખોડલધામ પણ બનશે. અલગ-અલગ સંસ્થાઓ અલગ આયામ સાથે કામ કરશે તો સમાજને વધુ ફાયદો થશે,” એમ તેમણે જણાવ્યું.

રાજકીય અટકળોને લઈને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અનાર પટેલે ચૂંટણી લડવાની સંભાવનાઓને નકારી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 25-30 વર્ષથી મીડિયા આ પ્રશ્ન પૂછે છે, પરંતુ તેમણે ક્યારેય કોઈ “પ્રોફાઇલ” બનાવી નથી અને છેલ્લા 34 વર્ષથી માત્ર સેવા કાર્યમાં જ જોડાયેલા છે.જોકે, પાટીદાર સમાજના મોટા મંચ પરથી અનાર પટેલે કરેલા આ નિવેદનોને 2027ની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સામાજિક અને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાપેઢી, મહિલાઓ અને સમાજના નેતૃત્વને લઈને કરાયેલા નિવેદનોને કારણે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Most Popular

To Top