દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પેપર લીક થયાના પુરાવા અને તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સ બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે. NTAએ જણાવ્યું કે પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. એજન્સીના જણાવ્યા મુજબ 8 મેના રોજ જ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ એજન્સીઓ દ્વારા મળેલા પુરાવા અને સંકેતોના આધારે સરકારે પરીક્ષા ફરીથી યોજવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી દેશભરના લગભગ 22 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તેઓએ પહેલેથી જ પરીક્ષા આપી દીધી હતી અને હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, NTAએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂર નહીં પડે અને કોઈ વધારાની પરીક્ષા ફી પણ લેવામાં આવશે નહીં. એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી હતી કે હાલની નોંધણી, ઉમેદવારી અને પરીક્ષા કેન્દ્રોની માહિતી ફરીથી યોજાનારી પરીક્ષા માટે યથાવત્ રાખવામાં આવશે. એટલે કે ઉમેદવારોને નવી નોંધણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. વધુમાં, વિદ્યાર્થીઓ દ્વારા પહેલેથી ચૂકવવામાં આવેલી પરીક્ષા ફી પરત આપવામાં આવશે.
NTAએ જણાવ્યું કે ફરીથી યોજાનારી પરીક્ષાનો તમામ ખર્ચ એજન્સી પોતાના આંતરિક સંસાધનો દ્વારા ઉઠાવશે. નવી પરીક્ષાની તારીખો, એડમિટ કાર્ડ અને અન્ય માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ અને અન્ય અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મામલાની તપાસ હવે CBI કરશે. કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. CBI હવે કેસ ફરીથી નોંધશે અને અત્યાર સુધી થયેલી તપાસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો, પુરાવા અને ટેકનિકલ માહિતી પોતાના કબજામાં લેશે. NTAએ પણ CBIને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. પેપર લીક મામલો સામે આવ્યા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિપક્ષે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે મહીનાઓની તૈયારી અને માનસિક દબાણ બાદ ફરીથી પરીક્ષા આપવી તેમના માટે મુશ્કેલ બનશે. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલીમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના મામલા વધી રહ્યા છે, જેના કારણે પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષા રદ થવી દેશના શિક્ષણ ક્ષેત્ર માટે પણ મોટો મુદ્દો માનવામાં આવી રહ્યો છે.