112 જનરક્ષક પોલીસની સમયસૂચક કામગીરીથી યુવકનો જીવ બચ્યો
હાલોલ, તા. 12/05/2026
પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા નિરાશ થયેલા યુવકે પાવાગઢના જંગલમાં જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 112 જનરક્ષક પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવરાજપુર બાજુના ગામમાં રહેતા રાકેશ રાઠવાનો હાલોલના અરાદ રોડ વિસ્તારમાં રહેતી જ્યોતિ સાથે પ્રેમ સંબંધ હતો. દરમિયાન યુવતીના જીવનમાં અન્ય યુવક આવતા તેણીએ રાકેશ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ રાકેશ સતત યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતો હતો.
માહિતી મુજબ યુવતીએ રાકેશને સ્પષ્ટ શબ્દોમાં પીછો ન કરવા જણાવ્યું હતું તેમજ ફરી હેરાન કરવાથી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જેના કારણે રાકેશ માનસિક રીતે ભારે નિરાશ થઈ ગયો હતો.

બાદમાં રાકેશે બજારમાંથી દોરી ખરીદી પાવાગઢના જંગલમાં પહોંચી ઝાડ પર દોરી બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે 112 જનરક્ષક સેવામાં ફોન કરી પોતાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.
ફોન મળતા જ પોલીસે ચતુરાઈપૂર્વક યુવકને લાંબા સમય સુધી વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો અને સાથે જ તેનું લોકેશન ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. લોકેશન મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકનો જીવ બચાવવામાં સફળ રહી હતી.
પોલીસે તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી યુવકને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રિપોર્ટર : યોગેશ ચૌહાણ