દુર્ગાવતી નદી કિનારે મળ્યા બે સૂટકેસમાંથી કાપી નાંખેલી સડી ગયેલી લાશોના ટુકડા
બિહાર રાજ્યના કેમૂર જિલ્લામાં એક દિલ દહોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે. કેમૂર જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૌરસિયા પુલ નીચે દુર્ગાવતી નદીના કિનારે બે લાવારિસ સૂટકેસ મળતા સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોએ સૂટકેસ ખોલ્યા ત્યારે અંદરથી માનવ શરીરના કાપેલા અને સડી ગયેલા અવશેષો મળી આવ્યા હતા.
અહેવાલ મુજબ સવારે કેટલાક સ્થાનિક લોકો દુર્ગાવતી નદી પાસે ગયા હતા ત્યારે તેમને નદી કિનારે બે શંકાસ્પદ સૂટકેસ દેખાયા હતા. સૂટકેસમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાથી લોકોએ નજીક જઈ તપાસ કરી હતી. શંકા જતા તરત જ રામગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ, ફોરેન્સિક વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે જ્યારે બંને સૂટકેસ ખોલ્યા ત્યારે અંદરથી માનવ શરીરના અલગ અલગ કાપેલા અંગો મળી આવ્યા હતા. મૃતદેહો એટલા સડી ગયા હતા કે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહોને ઘણા દિવસ પહેલા મારીને ટુકડા કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ઘટના બિહારના કેમૂર જિલ્લાના રામગઢ થાણા વિસ્તારના ચૌરસિયા બ્રિજ નીચે, દુર્ગાવતી નદીના કિનારે બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. ભયાનક દ્રશ્યોને કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હત્યા અન્ય કોઈ સ્થળે કરવામાં આવી હોવાની આશંકા છે. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહોના ટુકડા કરીને સૂટકેસમાં ભરી નદી કિનારે ફેંકી દેવામાં આવ્યા હોઈ શકે છે.
પોલીસે બંને સૂટકેસ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. DNA ટેસ્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસ હાલમાં આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલા ગુમ થયેલા લોકોના કેસોની પણ તપાસ કરી રહી છે. સાથે જ નજીકના CCTV કેમેરા, હાઈવે રૂટ અને બ્રિજ વિસ્તારમાંથી મળતા ફૂટેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસકર્તાઓને આશંકા છે કે આ હત્યા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હોઈ શકે છે.
ઘટનાની ગંભીરતા જોતા કેમૂર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ ઝડપી બનાવવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ભયાનક ઘટના અગાઉ ક્યારેય જોવા મળી નથી. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો કોણ છે, તેમની હત્યા શા માટે કરવામાં આવી આરોપીઓ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી. જોકે પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે.