Sports

બ્રોન્ઝ મેડલ બાદ પણ અવગણના, અમારા કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સને વધારે માન: સાત્વિકસાઈરાજનો આક્રોશ

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે રમતજગત અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે. થોમસ કપમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પણ તેમને જે રીતે અવગણના સહન કરવી પડી, તે વાતે તેમણે ખુલીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સાત્વિકે કહ્યું કે જ્યારે તેઓ થોમસ કપ રમ્યા પછી ભારત પરત આવ્યા, ત્યારે એરપોર્ટ પર કોઈએ તેમને ઓળખ્યા જ નહીં. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીત્યા બાદ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, પરંતુ આ વખતે એવું કંઈ થયું જ નહીં. ન તો સરકારનો કોઈ પ્રતિનિધિ હાજર હતો, ન તો બેડમિન્ટન એસોસિએશન તરફથી કોઈ આવ્યું. ટીમના ખેલાડીઓને કોઈ વિશેષ માન-સન્માન મળ્યું નહીં, જે તેમને ખૂબ ખટક્યું. તેમણે આ સ્થિતિને દેશ માટે શરમજનક ગણાવી. સાત્વિકે એક વધુ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે ટીમને થોમસ કપ માટે પોતાની જર્સી પણ જાતે જ ડિઝાઇન કરવી પડી હતી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ખેલાડીઓને પૂરતી સુવિધાઓ અને સહાય મળતી નથી.

સાત્વિકે પોતાના વ્યક્તિગત અનુભવ પણ શેર કર્યા. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ હૈદરાબાદમાં પોતાના મિત્રો સાથે ડિનર માટે જાય છે, ત્યારે ઘણીવાર તેમને ટેબલ મળતું નથી. તેઓ પોતાની ઓળખ અને સિદ્ધિઓ વિશે જણાવે છે છતાં લોકો વિશ્વાસ કરતા નથી. બીજી તરફ, જો કોઈ સોશિયલ મીડિયા પર ફેમસ વ્યક્તિ અથવા ઇન્સ્ટાગ્રામ મોડલ ત્યાં આવે, તો તેમને તરત જ ખાસ સ્વાગત આપવામાં આવે છે અને ટેબલ પણ સરળતાથી મળી જાય છે. આ તફાવત વિશે વાત કરતાં સાત્વિકે નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજના સમયમાં મહેનત અને સિદ્ધિઓ કરતાં સોશિયલ મીડિયા ફેમ વધારે મહત્વપૂર્ણ બની ગયું છે. તેમની વાતમાં કટાક્ષ પણ હતો, જ્યારે તેમણે કહ્યું કે ક્યારેક તેમને એવું લાગે છે કે બેડમિન્ટન છોડીને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટર બની જવું જોઈએ. ડાન્સ અને ગીતો ગાઈને પૈસા કમાવા વધુ સરળ લાગે છે. સાત્વિકે સોશિયલ મીડિયા પર ખેલાડીઓને મળતી ટીકાઓ અંગે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જ્યારે ખેલાડીઓ હારે છે ત્યારે લોકો તરત જ તેમને ટ્રોલ કરવા લાગે છે, પરંતુ જ્યારે તેઓ દેશ માટે મેડલ જીતે છે ત્યારે કોઈ તેમને અભિનંદન આપવાનું પણ યોગ્ય નથી માનતું. આ પ્રકારની માનસિકતા બદલવાની જરૂર છે.

તેમના નિવેદનથી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું આપણા સમાજમાં ખરેખર ખેલાડીઓની મહેનત અને સિદ્ધિઓને યોગ્ય માન્યતા મળી રહી છે કે નહીં? શું આપણે સોશિયલ મીડિયા ફેમને વધારે મહત્વ આપી રહ્યા છીએ? સાત્વિકના આ શબ્દો ઘણા ખેલાડીઓના મનની વાત કહી રહ્યા છે. આ ઘટનાએ રમતજગત પ્રત્યેનો સમાજનો અભિગમ ફરી વિચારવાનો સમય લાવ્યો છે. ખેલાડીઓ દેશનું નામ રોશન કરે છે, ત્યારે તેમને યોગ્ય સન્માન અને પ્રોત્સાહન આપવું દરેકની જવાબદારી છે.

Most Popular

To Top