મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂ (H5N1)ના કેસ સામે આવતા સમગ્ર પોલ્ટ્રી ઉદ્યોગમાં ભારે ફફડાટ ફેલાયો છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશન દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા બાદ જિલ્લા તંત્ર અને એનિમલ હસબન્ડરી વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે નવાપુરમાંથી સુરત આવતા લાખો ઈંડાની સપ્લાય અચાનક બંધ થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં સુરતમાં ઈંડાની અછત અને ભાવવધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવાપુર સુરત માટે ઈંડાની સપ્લાયનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. રોજિંદા જીવનમાં મોટી સંખ્યામાં લોકો ઈંડાનો ઉપયોગ કરતા હોવાથી સુરતની બજાર વ્યવસ્થા મોટા પ્રમાણમાં નવાપુર પર આધારિત રહી છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશનના જણાવ્યા મુજબ, અહીં કુલ લગભગ 12 લાખ મરઘાં છે અને દૈનિક આશરે 10 લાખ ઈંડાનું ઉત્પાદન થાય છે. આમાંથી 80થી 90 ટકા ઈંડા માત્ર સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ સપ્લાય થાય છે. પરંતુ હવે બર્ડ ફ્લૂ જાહેર થતાં આ સમગ્ર સપ્લાય ચેઈન પર બ્રેક લાગી ગઈ છે.
જિલ્લા તંત્રએ WHO અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અસરગ્રસ્ત વિસ્તારની આસપાસ 1 કિલોમીટરના વિસ્તારમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મ ખાલી કરાવવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 2 લાખ 40 હજાર મરઘાંને મારી નાખવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રક્રિયાને ‘કલિંગ’ કહેવામાં આવે છે, જેનો હેતુ વાયરસને વધુ ફેલાતો અટકાવવાનો હોય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે અને બહારથી અંદર તેમજ અંદરથી બહાર જવા પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પોલ્ટ્રી ફાર્મમાં સતત સેમ્પલિંગ અને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એનિમલ હસબન્ડરી વિભાગ દ્વારા મરઘાંના બ્લડ સેમ્પલ લઈને ભોપાલની હાઈ સિક્યોરિટી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો વધુ રિપોર્ટ પોઝિટિવ આવશે તો બાકીના લાખો મરઘાંને પણ નષ્ટ કરવાની ફરજ પડી શકે છે.
આ સમગ્ર ઘટનાની સૌથી મોટી અસર સુરત પર પડી રહી છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકો નાસ્તા, સ્ટ્રીટ ફૂડ, હોટલ અને રેસ્ટોરન્ટમાં ઈંડાની વાનગીઓનો ઉપયોગ કરે છે. હવે સપ્લાય અટકતા વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે. ઈંડાની અછત સર્જાશે તો બજારમાં ભાવ વધી શકે છે. લારી-ગલ્લા ચલાવતા વેપારીઓ અને હોટલ સંચાલકો માટે પણ આ પરિસ્થિતિ મુશ્કેલી ઉભી કરી શકે છે. બીજી તરફ, બર્ડ ફ્લૂના સમાચાર બાદ લોકોમાં ચિકન અને ઈંડા ખાવા અંગે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જોકે નિષ્ણાતો અને આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી એવું જણાવ્યું છે. WHOની ગાઈડલાઈન મુજબ, જો ઈંડા અને ચિકનને 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને યોગ્ય રીતે રાંધવામાં આવે તો વાયરસ જીવિત રહેતો નથી. ભારતીય રસોઈમાં સામાન્ય રીતે ખોરાક વધુ તાપમાને પકવવામાં આવતો હોવાથી યોગ્ય રીતે રાંધેલો ખોરાક સુરક્ષિત માનવામાં આવે છે. તેમ છતાં કાચા અથવા અર્ધકચરા ઈંડા અને ચિકનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
નવાપુરના પોલ્ટ્રી ઉદ્યોગને આ ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. લાખો ઈંડાના વેચાણ પર પ્રતિબંધ અને લાખો મરઘાંના નિકાલને કારણે વેપારીઓની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. પોલ્ટ્રી ફાર્મ માલિકો કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા વળતરની જાહેરાત થઈ શકે છે, પરંતુ માર્કેટમાં ફરી વિશ્વાસ ઉભો થવામાં સમય લાગી શકે છે. ખાસ કરીને સુરત જેવા મોટા બજારમાં સપ્લાય બંધ થવાથી તેની અસર માત્ર વેપારીઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે. હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને વધુ ફેલાવો અટકાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.