Shinor

શિનોર તાલુકામાં ચકચાર: પૂર્વ સરપંચ પતિ સામે પરિણીતાની છેતરપિંડી બાદ બળાત્કારનો ગુનો

પત્ની તરીકે રાખવાની ખાતરી આપી સંબંધ સ્થાપ્યાનો આક્ષેપ, ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી
(પ્રતિનિધિ) શિનોર, તા. ૩
શિનોર તાલુકાના બરકાલ ગામના પૂર્વ સરપંચ પતિ અને સહકારી આગેવાન વિશાલકુમાર મહેન્દ્રભાઈ પટેલ સામે તે જ ગામની પરિણીતાને પત્ની તરીકે રાખવાની ખાતરી આપી સંબંધ સ્થાપ્યા બાદ તરછોડી દેવા તેમજ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાના આક્ષેપો સાથે શિનોર પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારનો ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ મહિલા સાથે પ્રેમસંબંધ સ્થાપી તેને પત્ની તરીકે રાખવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે મહિલાએ ઘર છોડીને આરોપી સાથે આણંદ ખાતે રોકાણ કર્યું હતું, જ્યાં પરસ્પર મરજીથી સંબંધ બંધાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં બંને પોતાના ઘરે પરત ફર્યા હતા.
ફોટા વાયરલ અને આત્મહત્યાની ધમકી આપી દબાણ, વારંવાર બળજબરીથી સંબંધ બાંધ્યાનો આરોપ
ફરીયાદ મુજબ આરોપીએ અગાઉના અંગત સંબંધોના ફોટા વાયરલ કરવાની તથા આત્મહત્યા કરવાની ધમકી આપી મહિલાને માનસિક દબાણ હેઠળ પોતાની સાથે લઈ જઈ અલગ અલગ સ્થળોએ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 64(2)(એમ), 351(1) અને 69 હેઠળ તા. 01/05/2026 ના રોજ સાંજે 20:15 કલાકે ગુનો નોંધાયો છે.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની તેની સ્વિફ્ટ ડિઝાયર (GJ-06-JE-3599) કાર સાથે ધરપકડ કરી મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર. આર. વસાવા દ્વારા કરવામાં આવી રહી છે.

Most Popular

To Top