કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક SOP અમલમાં, ગેરહાજરીથી લઈને ભ્રષ્ટાચાર સુધી હવે સમયમર્યાદામાં કાર્યવાહી, 6 મહિનામાં તપાસ પૂર્ણ કરવાની ફરજિયાત જોગવાઈ
Surat Municipal Corporation (SMC)માં વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને જવાબદારીયુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર M. Nagarajan દ્વારા મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મહાનગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી શિસ્ત જાળવવા માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવી છે. આ SOPનો મુખ્ય ઉદ્દેશ્ય બેદરકારી, કામચોરી, અનધિકૃત ગેરહાજરી અને ભ્રષ્ટાચાર સામે ઝડપી અને નિર્ધારિત કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. શહેરને વિશ્વ કક્ષાએ પહોંચાડવાના પ્રયત્નોમાં હવે “વહીવટી શિસ્ત”ને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ગેરશિસ્ત સામે ચાર તબક્કામાં કાર્યવાહી થશે
નવી SOP મુજબ શિસ્તભંગના કેસોમાં કાર્યવાહી ચાર તબક્કામાં કરવામાં આવશે:
પ્રથમ તબક્કો – કારણદર્શક ખુલાસો
કર્મચારીની ગેરહાજરી અથવા ભૂલ સામે 1 થી 3 દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવશે.
બીજો તબક્કો – મેમો
ખુલાસો સંતોષકારક ન હોય તો સત્તાવાર મેમો આપવામાં આવશે અને જવાબ માટે 7 દિવસની સમયમર્યાદા રહેશે.
ત્રીજો તબક્કો – શો-કોઝ નોટિસ
મેમો બાદ સુધારો ન થાય તો 15 દિવસની અંદર કારણદર્શક નોટિસ આપવામાં આવશે. આ તબક્કે ઠપકો અથવા નાણાકીય દંડ જેવી કાર્યવાહી થઈ શકે છે.
ચોથો તબક્કો – ચાર્જશીટ
ગંભીર ગેરરીતિ, નૈતિક ભંગ અથવા લાંચ-રુશ્વત જેવા કેસોમાં સીધી ચાર્જશીટ આપવામાં આવશે અને 21 દિવસમાં જવાબ ફરજિયાત રહેશે. જરૂરી હોય ત્યાં ACB અથવા પોલીસ કેસમાં કડક કાર્યવાહી થશે.
તપાસમાં વિલંબ કરનાર અધિકારી પણ હવે બચી શકશે નહીં
અત્યાર સુધી ખાતાકીય તપાસ વર્ષો સુધી ખેંચાતી હોવાના કારણે દોષિતોને છૂટકો મળી જતો હતો. હવે નવી SOP મુજબ:
દરેક ખાતાકીય તપાસ ‘180 દિવસ (6 મહિના)’ માં પૂર્ણ કરવી ફરજિયાત
વિલંબ થાય તો તપાસ અધિકારીએ લેખિત કારણ દર્શાવવું પડશે
અસંતોષકારક કારણ હોય તો અધિકારી સામે પણ કાર્યવાહી થશે
પાલિકાને આર્થિક નુકસાન કરનાર કર્મચારીઓ પાસેથી વસૂલાત થશે
નવી SOPમાં મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ:
કર્મચારીની બેદરકારીથી થયેલ નુકસાનની રકમ પગારમાંથી વસૂલાશે
ભ્રષ્ટાચારના કેસોમાં ફરજિયાત નિવૃત્તિ અથવા બરતરફી જેવી કડક કાર્યવાહી શક્ય
પાલિકાની સંપત્તિ અને નાણાકીય હિતોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી શક્ય
ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓ તપાસથી બચવા VRS લેતા હતા. હવે નિવૃત્તિ કે VRS બાદ પણ 4 વર્ષ સુધી કાર્યવાહી શક્ય
નિવૃત્તિ હવે ગેરરીતિમાંથી મુક્તિનું પ્રમાણપત્ર નહીં ગણાય
કર્મચારીઓને અપીલ કરવાનો અધિકાર પણ મળશે
SMCએ કડકાઈ સાથે ન્યાયની વ્યવસ્થા પણ જાળવી છે:
હુકમ સામે 45 દિવસમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અપીલ કરી શકાશે
સામાન્ય ગેરહાજરી જેવા કેસોમાં રૂબરૂ સુનાવણીથી ઝડપી નિકાલ થશે
સુરત હવે વહીવટી શિસ્તમાં પણ બનશે રોલ મોડેલ?
સુરત શહેર પહેલેથી જ સફાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશભરમાં પ્રથમ ક્રમે ઓળખાય છે. હવે નવી SOPથી વહીવટી શિસ્તમાં પણ સુરત દેશ માટે રોલ મોડેલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ નિર્ણયથી પાલિકાના હજારો કર્મચારીઓમાં જવાબદારી અને શિસ્તનો ભાવ વધશે અને તેનો સીધો લાભ શહેરના નાગરિકોને મળશે એવી અપેક્ષા છે. હવે પ્રશ્ન એ છે કે આ SOP લાંબા ગાળે અસરકારક સાબિત થશે કે માત્ર શરૂઆતના દિવસોમાં જ તેની અસર જોવા મળશે તેનો જવાબ આવનારો સમય આપશે.