Business

ઈરાન યુદ્ધ બાદ ફરી શરૂ થશે સુરત–દુબઈ ફ્લાઇટ સેવા, 3 જૂનથી અઠવાડિયામાં ત્રણ દિવસ મળશે સીધી કનેક્ટિવિટી

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલા યુદ્ધ અને મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રમાં ઊભી થયેલી અનિશ્ચિતતાના કારણે તાત્કાલિક અસરથી બંધ કરાયેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત–દુબઈ સીધી ફ્લાઇટ સેવા હવે ફરી શરૂ થવા જઈ રહી છે. મહત્વ નું છે કે એરલાઈન દ્વારા 3 જૂનથી સુરત અને દુબઈ વચ્ચેની સીધી ફ્લાઇટ ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને મોટી રાહત મળશે.

મળતી માહિતી મુજબ, ફ્લાઇટ સેવા અઠવાડિયામાં બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ઉપલબ્ધ રહેશે. સુરતથી દુબઈ જવા માંગતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એનઆરઆઈ પરિવારો અને પ્રવાસીઓ માટે આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે.

આ રહેશે ફ્લાઇટનો સમય
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સુરત એરપોર્ટથી રાત્રે 2:10 વાગ્યે ઉડાન ભરીને સવારે 5:15 વાગ્યે દુબઈ પહોંચશે. જ્યારે દુબઈથી પરત ફરતી ફ્લાઇટ સવારે 6:40 વાગ્યે ઉપડશે અને 9:50 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે.આ સીધી ફ્લાઇટ શરૂ થતાં મુસાફરોને મુંબઈ અથવા અમદાવાદ મારફતે કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની જરૂર નહીં રહે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.

એક દિવસનું વધારાનું બુકિંગ કરવું પડશે
ફ્લાઇટ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ છે, ટૂર ઓપરેટર્સના જણાવ્યા મુજબ એક ખાસ પડકાર હજુ પણ યથાવત છે. દુબઈની ઘણી હોટલોમાં ચેક-ઈનનો સમય બપોરે 2 વાગ્યા પછીનો હોવાથી સવારે વહેલા પહોંચતા મુસાફરોને તરત રૂમ મળવાની શક્યતા ઓછી રહે છે.પરિણામે, જો મુસાફરોને હોટલમાં તરત પ્રવેશ જોઈએ તો તેમને એક દિવસ અગાઉથી રૂમ બુક કરાવવો પડે છે. ખાસ કરીને પરિવાર સાથે પ્રવાસ કરતા અથવા નાના બાળકો સાથે મુસાફરી કરતા લોકો માટે આ વ્યવસ્થા જરૂરી બની રહે છે.

વેપારીઓ અને પ્રવાસન ઉદ્યોગને મળશે લાભ
સુરત–દુબઈ રૂટ લાંબા સમયથી વેપાર અને પ્રવાસન બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હીરા, ટેક્સટાઈલ અને અન્ય ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વેપારીઓ નિયમિત રીતે દુબઈની મુસાફરી કરે છે. ફ્લાઇટ સેવા ફરી શરૂ થતાં વ્યાપારી ગતિવિધિઓને પણ વેગ મળશે.સાથે જ ઉનાળાની રજાઓ અને આગામી પ્રવાસન સીઝનને ધ્યાનમાં લેતા પ્રવાસન ક્ષેત્રને પણ સકારાત્મક અસર થવાની શક્યતા છે.

મહત્વની વાત
3 જૂનથી એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત–દુબઈ સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. અઠવાડિયામાં ત્રણ દિવસ ઉપલબ્ધ રહેતી આ સેવા દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મોટી રાહત સમાન બનશે. જોકે દુબઈમાં વહેલી સવારે પહોંચતા મુસાફરોને હોટલ ચેક-ઈનની સમસ્યા ટાળવા માટે એક દિવસ અગાઉથી રૂમ બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

Most Popular

To Top