Vadodara

હરણી લેકઝોન પાસે બે કાર સામસામે અથડાતા 58 વર્ષીય પ્રોઢનું કરુણ મોત

વિકાસની કામગીરી બની વિનાશનું કારણ? વન-વે રસ્તા પર ટ્રાફિકના ભારણે નિર્દોષનો જીવ લીધો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. શહેરના માર્ગો જાણે રક્તરંજિત બની રહ્યા હોય તેમ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હરણી લેકઝોન વિસ્તારમાં સામે આવી છે. અહીં બે કાર વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં એક કાર ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, શહેરના હરણી લેકઝોન તળાવ પાસે આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં આ વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા હોવાથી રસ્તાનો એક તરફનો ભાગ બંધ રાખવામાં આવ્યો છે. એકતરફી રસ્તો હોવાને કારણે વાહનોનું ભારણ વધી ગયું છે, જે આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સામસામે આવી ગયેલી બે કારો વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે સમા સાવલી રોડ પર આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા 58 વર્ષીય શિવાજી જાધવનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ, અકસ્માત સર્જનાર અન્ય કારના ચાલકની ઓળખ ગોરવા વિસ્તારની ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મુકેશ અગ્રવાલ તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે શિવાજી જાધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. પોલીસે બીજી કારના ચાલક મુકેશ અગ્રવાલની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વાહનચાલકોમાં ભયની સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top