નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં એકલવાયેલી મહિલાને બનાવી નિશાન
હત્યા બાદ લૂંટનો ગુનો નોંધાયો, પોલીસે તપાસ તેજ કરી
નસવાડી |
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં ચોંકાવનારી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. ગામમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા દશરીબેન ભીમાભાઈ ભીલની અજાણ્યા તત્વોએ નિર્મમ હત્યા કરી તેમની પાસે રહેલા ચાંદીના કડા લૂંટવા માટે બંને પગ કાપી નાખ્યાની ઘટના વિસ્તારમાં ભય અને આક્રોશ ફેલાવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, દશરીબેન ભીલ પોતાના કાચા ઝૂંપડામાં એકલા રહેતા હતા. ગામના પ્રવેશ માર્ગ નજીક આવેલા મુખ્ય રોડ પાસે આવેલા તેમના નિવાસસ્થાને અજાણ્યા આરોપીઓએ તકનો લાભ લઈ ઘરમાં ઘૂસી હત્યા આચરી હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક સ્તરે જાણકારી મુજબ, આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ પગમાં ચાંદીના કડા પહેરવાની પરંપરા છે. આરોપીઓએ આ કડા લૂંટવાના ઈરાદે જ વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ નિર્મમ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે અને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે આસપાસના વિસ્તારોમાં શોધખોળ અને તપાસ તેજ કરી છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ