Vadodara

એસએસજીમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હડતાળ, દર્દીઓ પરેશાન

રેસિડેન્ટ તબીબો અને સ્ટાફ પર હુમલાની ઘટનાથી આક્રોશ

ઓપીડી, વોર્ડ ફરજો અને બિન-ઇમરજન્સી સર્જરી સહિતની તમામ બિન-ઇમરજન્સી ફરજો બંધ રાખી વિરોધ

(પ્રતિનિધિ) વડોદરા, તા.30

ફોરેન્સિક મેડિસિન વિભાગમાં એક ઘટના બની હતી. જેમાં એસોસિયેટ પ્રોફેસર ડો. વિજયસિંહ રાઠોડ, નિવાસી ડોકટરો ડો. શ્યામ વાયા, ડો. ગૌતમ ટોકાચીયા, ડો. નિકિતા કુમારી અને વર્ગ-4 સ્ટાફ સભ્ય જગદીશભાઈ સાથે હિંસક ટોળા દ્વારા મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. અપૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે, તબીબી શિક્ષકો અને નિવાસી ડોકટરો પર આવા હુમલાને જુનિયર ડોક્ટર્સ એસોસિએશને નિંદનીય ઘટના ગણાવી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

તાજેતરના ભૂતકાળમાં પણ, નિવાસી ડોકટરો પર આવા જ હુમલા થયા છે. જેમ કે, 18 માર્ચના રોજ SICU માં એનેસ્થેસિયા આપતા ડૉક્ટર પર દર્દીના સંબંધીઓ દ્વારા શારીરિક હુમલો થયો હતો. આ ઘટના સંસ્થાના સુરક્ષા કર્મચારીઓની સામે બની હતી. 21 ફેબ્રુઆરીના રોજ રૂકમણીની સામે આવેલી માઇક્રોબાયોલોજી મહિલા રહેવાસી પર દર્દીના સંબંધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

જોકે, આ બનાવો અંગે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને આવી ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ ઘટનાના પરિણામે, રેસિડેન્ટ ડોકટરોમાં ગુસ્સો અને ભયની લાગણી પ્રવર્તી રહી છે. હાલનું વાતાવરણ એવું છે કે આ સંજોગોમાં ફરજ બજાવવી મુશ્કેલ બની ગઈ છે. જેડીએ દ્વારા આજે બોલાવવામાં આવેલી કટોકટીની બેઠકમાં, રેસિડેન્ટ ડોકટરોના તમામ પ્રતિનિધિઓએ આ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 30 એપ્રિલથી ઓપીડી, વોર્ડ ફરજો અને બિન-ઇમરજન્સી સર્જરી સહિતની તમામ બિન-ઇમરજન્સી ફરજો બંધ કરીશું.

તબીબોએ માંગણી કરી હતી કે, ગુનેગારો સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તબીબી શિક્ષકો, રેસિડેન્ટ ડોકટરો અને વર્ગ-4 સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે નક્કર અને અસરકારક પગલાં અમલમાં મુકવામાં આવે. કેમ્પસમાં કાયમી માળખાકીય ફેરફારો, જેમાં યોગ્ય પ્રકાશ, કાર્યરત સીસીટીવી, કેઝ્યુઅલ્ટી, આઈસીયુ અને વોર્ડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં અસરકારક ભીડ વ્યવસ્થાપનનો માંગમાં સમાવેશ થાય છે.

Most Popular

To Top