Vadodara

એલએન્ડટી સર્કલ પાસે નિર્માણધિન કન્સ્ટ્રક્શન સાઈડ પર ખાડામાં યુવક ખાબક્યો :

ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયો :

કન્સ્ટ્રક્શન સાઈટ પર સુરક્ષાને લઈ કોઈ પગલાં નહિ લેવાયા હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા શહેરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર સુરક્ષાના અભાવે અકસ્માતોના બનાવો સામે આવી રહયા છે. ત્યારે, કારેલીબાગ એલએન્ડટી સર્કલ પાસે નિર્માણધિન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોડી રાત્રે એક 18 વર્ષીય યુવક ખાડામાં પડી જતા લોકટોળા એકત્ર થયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી યુવકનું રેસ્ક્યુ કરી 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શ્રમજીવીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. શહેરમાં સાઇટ પર કામ કરતા અનેક શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા છે. છતાં પણ આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે, ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગ વુડા સર્કલ સામે જલારામ નગર નજીક લિંડે કંપની પાસે એક કન્ટ્રક્શનની સાઈટ ચાલી રહી છે. જેના કારણે ખાડા ખોદવામાં આવ્યા છે. અહીં એક યુવક ખાડામાં પડી ગયો હતો. બુમરાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા અને બનાવની જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યારે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ઈકવિપમેન્ટની મદદથી યુવકને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો. હાલ આ યુવક કોણ છે અને શૌચ ક્રિયા કરવા જતાં ખાબક્યો હતો કે કોઈ અન્ય કારણ સર તે જાણી શકાયું ન હતું. જોકે, સ્થાનિકોએ આ મામલે કોન્ટ્રાકટર સામે નારાજગી દર્શાવી હતી અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કોઈ સુરક્ષા સલામતીના પગલાં લેવામાં નહિ આવ્યા હોવાથી આ ઘટના બની હોવાના આક્ષેપ કર્યા હતા.

Most Popular

To Top