તાજેતરમાં વિશ્વ પરિસ્થિતિમાં વધતા તણાવ વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં ઈરાન દ્વારા ભારત તરફ આવતાં ક્રૂડ ઓઈલ લઈને જતા બે જહાજો પર ગોળીબારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી માત્ર ભારતની ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોની સલામતી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.ભારત સરકાર દ્વારા આ મામલે ઈરાનના રાજદૂતને બોલાવીને સ્પષ્ટતા માંગવામાં આવી છે, છતાં આ ઘટના દર્શાવે છે કે વૈશ્વિક સંજોગોમાં અસ્થિરતા વધી રહી છે.
ખાસ કરીને જ્યારે મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધતો જાય છે, ત્યારે ભારત જેવા દેશ માટે આ મુદ્દો અત્યંત ગંભીર બની જાય છે. આ વચ્ચે દેશની અંદર રાજકીય સ્તરે મહિલાઓના આરક્ષણ બિલને લઈને ચર્ચા અને વિવાદ ચાલુ છે. એક તરફ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે શું આ મુદ્દા પર સાચી ઈચ્છાશક્તિથી કામ થઈ રહ્યું છે કે માત્ર રાજકીય લાભ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે? સંસદમાં ચાલી રહેલી ચર્ચાઓ અને વલણ પર પણ લોકોમાં અસંતોષ જોવા મળે છે.
જનતા ઈચ્છે છે કે તેમની પસંદગીના પ્રતિનિધિઓ ગંભીર મુદ્દાઓ પર સંયમ અને જવાબદારી સાથે ચર્ચા કરે, પરંતુ ઘણી વખત આ ચર્ચાઓ નાટકીય અને ભાવનાત્મક બની જાય છે, જે લોકશાહી પ્રણાલીના ગુણવત્તા પર પ્રશ્ન ઉભા કરે છે। આ પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે — શું દેશની સુરક્ષા અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે રાજકીય લાભ અને મત મેળવવાની સ્પર્ધા વધારે મહત્વની બની ગઈ છે? આજે સમય છે કે નાગરિકો જાગૃત બને, તથ્યોને સમજે અને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરે. દેશની સુરક્ષા, આર્થિક સ્થિરતા અને સામાજિક ન્યાય — આ ત્રણેય મુદ્દા પર સંતુલિત અને જવાબદાર નેતૃત્વની જરૂર છે। દેશની હાલની પરિસ્થિતિ આપણને એક જ સંદેશ આપે છે.
સુરત – આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.