અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી ધર્મેશ ગમારાની હત્યા બાદ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. બીજી તરફ, હિંસા અને તોડફોડ કરનારા તત્વો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. હત્યાકાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ માટે ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના નેતૃત્વમાં ૪ અધિકારીઓની SIT બનાવવામાં આવી છે. આ ટીમમાં ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પી.આઈ. રઘુ કરમટીયા, પી.આઈ. કરણ વિહોલ અને પી.એસ.આઈ. એસ. એચ. ઝાલાનો સમાવેશ કરાયો છે. આ ટીમ દ્વારા સમગ્ર મામલે ઉંડી તપાસ કરવામાં આવશે અને દર અઠવાડિયે પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. એસપી ઓમ પ્રકાશ જાટે પણ મૃતકના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી અને આ કેસમાં જે પણ દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
શનિવારે ૧૮ એપ્રિલના રોજ બપોરે બાઇક અથડાવા બાબતે સમીર અને ધર્મેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. સાંજે મામલો ઉગ્ર બનતા સમીર અને પરવેજ (રિઝવાન) સહિતના શખ્સોએ ધર્મેશ પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં વધુ લોહી વહી જવાથી તેનું મોત નિપજ્યું હતું. આ સમાચાર ફેલાતા જ ધંધુકામાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બજારમાં દુકાનો, વાહનો અને લારી-ગલ્લાઓમાં તોડફોડ કરી આગચંપી કરી હતી.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ધંધુકામાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો છે. SRPની ટુકડીઓ સહિત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાંથી પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે અને શહેરના એન્ટ્રી-મૃતક ધર્મેશ ગમારા (ઉંમર 35) હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારના બે સભ્યો પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. શનિવારે રાત્રે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.હાલ ધંધુકામાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે, પરંતુ હજુ પણ વિસ્તારમાં અજંપાભર્યો માહોલ યથાવત્ છે. ગુજરાતના અન્ય શહેરોની જેમ હવે ધંધુકામાં પણ ગેરકાયદેસર દબાણો પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ફરી વળશે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે સ્ટ્રક્ચરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને નિયમ મુજબ નોટિસ આપીને આ દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાશે.
સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
શનિવારે રાત્રે જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં મોટું સર્ચ ઓપરેશન (કોમ્બિંગ) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક શંકાસ્પદ હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર પણ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ધંધુકા શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.