અક્ષય તૃતીયા જેવા શુભ પ્રસંગે દેશભરમાં સોના-ચાંદીની જોરદાર ખરીદી બાદ હવે બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સોમવારે બજાર ખૂલતા જ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે ગ્રાહકો માટે રાહતરૂપ બની શકે છે. અહેવાલ મુજબ, અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનું સોના-ચાંદીનું વેચાણ થયું હતું. આ ભારે માંગ પછી હવે બજારમાં પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સંકેતોના કારણે ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. 20 એપ્રિલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1,700નો ઘટાડો નોંધાયો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો લગભગ 5,400નો મોટો કડાકો આવ્યો છે.
સવારે ટ્રેડિંગ દરમિયાન જૂન ડિલિવરીવાળું સોનું લગભગ 1%ના ઘટાડા સાથે 1,53,240 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું. બીજી તરફ, ચાંદીના ભાવમાં લગભગ 2%નો ઘટાડો થયો અને તે 2,52,236 પ્રતિ કિલો સુધી આવી પહોંચી. માર્કેટ નિષ્ણાતો કહે છે કે તહેવારની તેજી બાદ વેપારીઓ નફો બુક કરે છે, જેના કારણે ભાવ નીચે આવે છે. મુખ્ય શહેરોમાં પણ ભાવમાં ઘટાડાનો અસર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,53,250 પ્રતિ 10 ગ્રામ રહ્યો, જ્યારે ચાંદીનો ભાવ 2,53,430 પ્રતિ કિલો નોંધાયો. મુંબઈમાં સોનાનો ભાવ 1,52,960 અને દિલ્હીમાં 1,52,700 આસપાસ રહ્યો. ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ 1,53,490 નોંધાયો છે.
આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોમાં ફરીથી ખરીદીનો ઉત્સાહ વધી શકે છે. ખાસ કરીને જે લોકો અક્ષય તૃતીયાના દિવસે ઊંચા ભાવને કારણે ખરીદી કરી શક્યા નહોતા, તેમના માટે હવે સારો મોકો બની શકે છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારના ટ્રેન્ડ, ડોલર-રૂપીના મૂલ્ય અને વ્યાજદરના નિર્ણયો પર આધાર રાખીને સોના-ચાંદીના ભાવમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. હાલ માટે, બજારમાં આવેલી આ નરમાઈ ગ્રાહકો માટે રાહત અને રોકાણકારો માટે વિચાર કરવાની સ્થિતિ ઉભી કરે છે.