Business

સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનામાં 3000 અને ચાંદીમાં 20,000નું ગાબડું

    મુંબઈ અને અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો થતા ઘરઆંગણે પણ તેની સીધી અસર જોવા મળી હતી. એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 3000નો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં તો ₹20,000 સુધીનું ગાબડું પડતા વેપારીઓ અને રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત બનતા સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ અંદાજે 170થી 175 ડોલર સુધી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ 4705 ડોલરની સપાટી પરથી ઘટીને 4532 ડોલર સુધી પહોંચી ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ ભારે ઘટાડાની અસર અમદાવાદ અને મુંબઈના બુલિયન માર્કેટમાં પણ સ્પષ્ટ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ ઘટીને 1,63,000 સુધી આવી ગયો હતો, જ્યારે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,62,700 રહ્યો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાતા અમદાવાદમાં ચાંદીનો ભાવ ઘટીને 2.60 લાખ સુધી પહોંચી ગયો હતો.

    મુંબઈ બુલિયન માર્કેટમાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. અહીં 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ જીએસટી વગર 1,58,210 સુધી નીચે આવ્યો હતો, જ્યારે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,57,577 રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો અને મુંબઈમાં ચાંદી 2,68,500 સુધી તૂટી ગઈ હતી. માત્ર સોનું અને ચાંદી જ નહીં, પરંતુ અન્ય કિંમતી ધાતુઓમાં પણ મંદીનો માહોલ રહ્યો હતો. પ્લેટિનમના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્લેટિનમ ઔંસ દીઠ 2097 ડોલરથી તૂટી 1980 ડોલર સુધી આવી ગયું હતું. તેની અસર મુંબઈ માર્કેટમાં પણ જોવા મળી હતી, જ્યાં પ્લેટિનમના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 4000નો ઘટાડો થયો હતો.

    પેલેડિયમ અને કોપરના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારત દ્વારા આયાત શુલ્કમાં વધારો અને આયાત પરના નિયંત્રણો વધતા વૈશ્વિક બજારમાં સોનાની માંગ પર અસર પડી રહી છે. ભારત વિશ્વના સૌથી મોટા સોના ખરીદનાર દેશોમાંથી એક માનવામાં આવે છે, તેથી અહીંની માંગમાં ફેરફારનો સીધો પ્રભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર પડે છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 104 ડોલરથી વધી 109 ડોલર સુધી પહોંચી ગયા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં અનિશ્ચિતતા વધી રહી છે. જો આ તણાવ વધુ વધશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે, જેનો સીધો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર અને મોંઘવારી પર પડી શકે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં સોના-ચાંદીના બજારમાં હજુ પણ ભારે અસ્થિરતા રહી શકે છે. ડોલરની મજબૂતી, વૈશ્વિક રાજકીય તણાવ અને રોકાણકારોની બદલાતી વ્યૂહરચના કિંમતી ધાતુઓના ભાવમાં વધુ મોટા ઉતાર-ચઢાવ લાવી શકે છે.

    Most Popular

    To Top