Business

કૃષ્ણને પ્રિય બનવા

એક દિવસ કૃષ્ણ કદંબના ઝાડ નીચે બેસીને વાંસળીના મીઠા સૂર રેલાવી રહ્યા હતા ત્યારે રાધાએ કૃષ્ણને થોડી રીસ સાથે પૂછ્યું, ‘‘કાન્હા, આ વાંસળીને તું હંમેશા તારી સાથે ને સાથે રાખે છે. કાં તો તારે હોઠે હોય નહિ તો તારી કમરે. આ તારી વાંસળીની બધાને ઈર્ષ્યા થાય છે.’’કનૈયાએ કહ્યું, ‘‘મને વાંસળી બહુ પસંદ છે એટલે.’’ રાધાએ તરત પૂછ્યું, ‘‘માધવ, તને આ વાંસળી બહુ પસંદ છે! કેમ બહુ પસંદ છે?’’ કૃષ્ણ હસ્યા અને મંદ મંદ સ્મિત રેલાવતા વાંસળીના સૂર છેડવા લાગ્યા. રાધા પણ વાંસળીના સૂરોમાં ખોવાઈ ગઈ.

થોડી વાર પછી કૃષ્ણે રાધાના હાથમાં વાંસળી આપી અને કહ્યું, ‘‘રાધે, જો તો આ વાંસળીની અંદર એવું તે શું છે જેમાંથી આટલા સુંદર સૂર નીકળે છે?’’ રાધાએ વાંસળીની અંદર જોયું. વાંસળી અંદરથી પોલી હતી અને તેની અંદર કંઈ જ ન હતું.વાંસળી અંદરથી એકદમ ખાલી હતી.રાધાએ કહ્યું, ‘‘કાન્હા, આ વાંસળી તો પોલો વાંસનો ટુકડો છે. તેની અંદર કંઈ જ નથી. તે તો એકદમ ખાલી છે.’’ કૃષ્ણે કહ્યું, ‘‘રાધે, વાંસળી અંદરથી એકદમ ખાલી છે અને થોડી ફૂંક મારું છું તે પણ પોતાની પાસે નથી રાખતી. તેમાંથી મધુર સૂર બનાવી ચારે બાજુ રેલાવે છે એટલે મને આ વાંસળી બહુ પ્રિય છે.’’

રાધાએ પૂછ્યું, ‘‘એટલે…કંઈ સમજાયું નહિ, માધવ’’ કૃષ્ણે કહ્યું, ‘‘જો રાધા, વાંસળીની અંદર કંઈ જ નથી. તે સાવ ખાલી છે અને જે મળે છે તેને પણ પોતાની પાસે ન રાખતાં વધુ સુંદર બનાવી બધાને માટે ચારે બાજુ પ્રસરાવી દેવાનો વાંસળીનો ગુણ મને બહુ ગમે છે એટલે વાંસળી મને પ્રિય છે.’’ આટલું કહી કૃષ્ણ ફરી વાંસળી વગાડવા લાગ્યા અને રાધિકા તે મધુર સૂરોમાં ખોવાઈ ગયાં. કૃષ્ણના પ્રિય બનવું હોય તો વાંસળીની જેમ અંદરથી પૂરાં ખાલી થઇ જાવ, મનની અંદર કંઈ જ ભરી ન રાખો. મનમાં કંઈ જ ન રાખીએ, સારી ખરાબ યાદો, સુખદુઃખ, બધું જ પ્રભુના ચરણે સમર્પિત કરી દઈએ તો કૃષ્ણના પ્રિય બની જઈએ. જીવનમાં જે મળે, જેટલું મળે તેને સ્વીકારી માત્ર પોતાની પાસે ન રાખતાં ખુશીથી વહેંચીને ચારે બાજુ મધુરતા ફેલાવીએ તો કૃષ્ણનાં પ્યારાં બની જઈએ.

Most Popular

To Top