નર્સનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં નર્સની બદલીને લઈને લાંચ માંગવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર આરોગ્ય તંત્રમાં ચકચાર મચાવી દીધી છે. વીડિયોમાં એક મહિલા નર્સ દ્વારા બદલી અટકાવવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઈને વિભાગની કામગીરી અને પારદર્શિતાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોમાં મહિલા નર્સનો આક્ષેપ છે કે તેની બદલી રોકાવવા માટે લગભગ 30 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. સાથે જ એવું પણ કહેવાયું છે કે જો મામલો જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તો રકમ વધુ વધી શકે છે. આ નિવેદનોથી બદલી પ્રક્રિયામાં ગેરરીતિઓ અને વચેટિયાઓની સંભવિત સંડોવણી અંગે ચર્ચા તેજ બની છે.
આ ઘટનામાં એક વચેટિયા તરીકે ઓળખાતા વ્યક્તિની ભૂમિકા હોવાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. કહેવાય છે કે બદલી સંબંધિત કામકાજમાં સીધી રીતે અધિકારીઓ સુધી પહોંચવા કરતાં આવા વચેટિયાઓ મારફતે નાણાકીય લેવડદેવડ થતી હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. હાલ વાયરલ થયેલા વીડિયોએ આ ચર્ચાઓને વધુ બળ આપ્યું છે.
વિડિયો સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ પર દબાણ વધ્યું છે અને સમગ્ર મામલે સત્તાવાર તપાસની માંગ ઉઠી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આરોગ્ય વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર અસર પડી શકે છે. સાથે જ સરકારી કર્મચારીઓની બદલી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે.
હાલ અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા આવવાની રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે લોકોમાં ચર્ચા છે કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને રોકી શકાય. વિડિયો વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે તપાસના પરિણામ તરફ નજર રાખી રહ્યા છે.