નવા ઘરમાં ગૃહપ્રવેશના સપ્તાહમાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું, પત્ની અને પરિવારનો ગંભીર આક્ષેપ




(પ્રતિનિધિ), વડોદરા. તા.20
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલી કાન્હા નિર્મલ સોસાયટીમાં રવિવારે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવતા આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ તો પરિવાર નવા ઘરે રહેવા આવ્યાને માંડ એક સપ્તાહ થયું હતું. ત્યાં જ 30 વર્ષીય હાર્દિક દિપકરાવ શિંદેએ અગમ્ય કારણોસર પંખા પર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે મૃતકની પત્ની અને પરિવારે હાર્દિક જ્યાં કામ કરતો હતો તે ઓફિસની યુવતી પર ગંભીર આક્ષેપો કર્યા છે.
મળતી માહિતી મુજબ, હાર્દિક દિપકરાવ શિંદે (ઉંમર વર્ષ 30) થોડા દિવસો પહેલા જ પોતાના પરિવાર સાથે તરસાલી બાયપાસ પાસે આવેલા હાઇવે નંબર-48 નજીક ગિરનારી હોટેલ સામેની કાન્હા નિર્મલ સોસાયટીના મકાન નંબર 32 માં રહેવા આવ્યા હતા. રવિવારે બપોરે જમ્યા બાદ હાર્દિકે પરિવારને જણાવ્યું હતું કે, હું આરામ કરવા જઉં છું, તેમ કહી તે પોતાના રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો હતો.
સાંજ સુધી હાર્દિક રૂમની બહાર ન આવતા પરિવારને ચિંતા થઈ હતી. તેની બહેને રૂમના દરવાજે જઈ તેને ઘણી બૂમો પાડી હતી, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા આશંકા સેવાઈ હતી કે કંઈક અઘટિત બન્યું છે. તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી હતી. હાજર લોકોની મદદથી દરવાજો તોડવામાં આવતા અંદરનું દ્રશ્ય જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હાર્દિક પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો.
આ ઘટના બાદ પરિવારે જે આક્ષેપો કર્યા છે તેણે પોલીસ તપાસને નવી દિશા આપી છે. મૃતકની પત્ની અને પરિવારજનોનું કહેવું છે કે, હાર્દિક જ્યાં કામ કરતો હતો ત્યાં HR તરીકે ફરજ બજાવતી એક યુવતી સાથે તેને અગાઉ સંબંધો હતા. પરિવારનો આક્ષેપ છે કે, તે યુવતી હાર્દિકને સતત બ્લેકમેલ કરી રહી હતી, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને જ હાર્દિકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે પરિવારના આક્ષેપોને ધ્યાનમાં લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ હવે તે યુવતીની ભૂમિકા અને હાર્દિક સાથે થયેલી છેલ્લી વાતચીત અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે. એક યુવાનના અકાળે મૃત્યુથી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે, ત્યારે પોલીસની તપાસમાં હવે શું બહાર આવે છે તે જોવું રહ્યું.