Columns

દાદાગીરીવાળા દેશને એની હેસિયત બતાવી દેવાની જરૂર છે

ઇરાન માટે જીવ સટોસટની લડાઈ હતી. અમેરિકા માટે એની સંહારક શક્તિનું બીભત્સ પ્રદર્શન અને ઇઝરાયેલ માટે આરપારની ‘ઊજળી’ લોહિયાળ તક. ખરું પૂછો તો ઇઝરાયેલની દાયકાઓ જૂની ચડવણી શાણા અમેરિકી પ્રમુખોએ નહોતી માની જે અનેક વિટંબણાઓથી ઘેરાયેલા તમસના ટકોરાબંધ ઉદાહરણ સમા માથાફરેલ અથવા કહો કે અડધા મગજવાળા વર્તમાન પ્રમુખે એની સામેની જઘન્ય ફાઈલો પરથી પ્રજાનું ધ્યાન ભટકાવવાના કુત્સિત આશયથી ઈરાન તરફથી કશીયે ઉશ્કેરણી વિના માની લીધી અને આખી દુનિયાને અપાર મુસીબતોમાં ઝીંકી દીધી. આખરે ધાર્યું નિશાન પાર ન જ પડ્યું, ઘર આંગણે લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા એટલે થાકીને બગલબચ્ચા જેવા ઇસ્લામિક દેશના નેતાઓ મારફત ઉકેલ લાવવાનો કારસો રચ્યો, જે સફળ થશે કે કેમ તે પ્રશ્ન છે. –

કેશુભાઇ દેસાઇ


સમાધાન વિના અમેરિકાને પણ ચાલે એમ નહોતું, પણ એણે ઈરાન સામે એવી આકરી શરતો મૂકી કે સમાધાન વિના જ ઉપરાષ્ટ્રપતિ વેન્સને ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. ઈરાન કોઈ પણ સંજોગોમાં એનો અણુશસ્ત્રો બનાવવાનો કાર્યક્રમ રોકવા કે હોર્મુઝ સામુદ્રધુની ઉપરનું વર્ચસ્વ છોડવા તૈયાર ન જ થાય એ સમજી શકાય એવી બાબત છે. અમેરિકાને આ બે બાબતો સામે શરૂથી જ વાંધો હતો અને ઈરાને એ બે મુદ્દાઓ ઉપરાંત લેબનોન પર થઈ રહેલા ઈઝરાયેલી હુમલા બંધ ના થાય તો પોતે અમેરિકા સાથે સમાધાન કરવા તૈયાર નથી એ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. લોકો પણ આ હુંસાતુંસીથી કંટાળી ગયા છે. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા સહિત કંઈ કેટલાંય નિર્દોષ માનવી વગર વાંકે કુટાઈ મર્યાં છે અને કેટલાયે રહેણાક વિસ્તાર ખંડેર બની ગયા છે. અમેરિકા બાકીની દુનિયાને એની ઇચ્છા મુજબ નચાવે એ કોઈ પણ સાર્વભૌમ દેશ જીરવી ન જ શકે. બીજી તરફ ટ્રમ્પ જતાં જતાં દુનિયાને ગાઈ વગાડીને કહેવા માગે છે કે અમેરિકા જ દુનિયાની સર્વોચ્ચ તાકાત છે અને એ ધારે તો પૃથ્વીના નક્શા પરથી આખા ને આખા દેશને ભૂંસી નાખવાની ઘેલછા પણ આચરી શકે છે. આરબ દેશો એની આંગળીના ઈશારે નાચે છે અને યુરોપના કહેવાતા શક્તિશાળી દેશો એની મહેરબાની પર ટકી રહ્યા છે એવું કમસેકમ પોતે તો માની જ બેઠા છે. રશિયા અને ચીન જેવા દેશો સામે પણ એ ઘુરકિયાં કરતા રહે છે. એવા મિથ્યાભિમાની સામે જીવ સટોસટની ટક્કર આપી ઈરાને એક યાદગાર ઉદાહરણ તો પેશ કરી જ દીધું છે. અમેરિકાની દાદાગીરી સામે બાકીની દુનિયાએ એક મંચ પર આવવું જોઈએ પણ દરેકને પોતપોતાના અંગત સ્વાર્થ સિદ્ધ કરવાના છે જેમાં અમેરિકાની મહેરબાની અનિવાર્ય છે એટલે એવું ફક્ત આપણા જેવા તટસ્થ પ્રજાજનો કે વિચારકો જરૂર વિચારી શકે પણ ખુદ બધું જ સમજતા હોવા છતાં આપણા જ નેતા એ મુદ્દે મજબૂરી ભરી ચુપકીદી ધારણ કરીને શાહમૃગની જેમ આંખો મીંચીને મૌન રહેવાનું જ પસંદ કરશે. કોઈને પેલા ભલાભોળા જીવો વગર વાંકે આ અહમના ધધકતા અગ્નિકુંડમાં હોમાઈ રહ્યા છે એની પરવા નથી. છેક પાષાણયુગથી માનવી જેમ પશુપંખીઓને મારીને શેકી ખાઈ ઓડકાર ખાવા ટેવાયેલો છે
એમ આવો નરસંહાર એને સમયની અનિવાર્ય જરૂરિયાત લાગે છે. મોતની મિજબાની માણી રહેલા આવા કહેવાતા વૈશ્વિક ધુરંધરોને ગોળીએ દેવા જોઈએ કે નહીં? તમને થશે કે આવો હિંસક વિચાર મારા જેવા મૃદુ હૃદયના માનવીને ના આવવો જોઈએ. તમારી આ સંવેદનશીલતાને હું બિરદાવીશ પણ સાથે જ આપણા ઋજુ હૃદયના કવિ સુન્દરમ્ ની ભાષામાં કહીશ કે –
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા ઓ ભુજા!
નવસર્જન કરવું હશે તો જીર્ણશીર્ણને ભાંગીને ભુક્કો કરવું જ રહ્યું!
આપણે ટ્રમ્પ છાપ સવાઈ હિટલરોના દાસ બનીને સમૃદ્ધિમાં આળોટવાનું પસંદ કરીશું કે ગાંધીજીની જેમ એમની જોહુકમીને આપણી અંતર્નિહિત સાત્ત્વિક શક્તિથી પડકારીને એ તામસિક વૈભવનો બહિષ્કાર કરી આપણી ગરીબીનું ગૌરવ કરીને દુનિયા સામે છાતી કાઢીને જીવવાનો વિકલ્પ સ્વીકારીશું? આજે ઈરાનને અણુશક્તિ બનતું અટકાવો એવી રાડારાડ કરનાર અમેરિકા ભારતને પણ ક્યાં નહોતું નડ્યું ? એને ન તો ઇંદિરા ગાંધીએ ગણકારેલું કે નહોતી અટલબિહારી વાજપેયીએ એની શરમ ભરી. ઈરાન કે ભારત અણુશક્તિ સંપન્ન દેશ બને એ અમેરિકાને ના જ ગમે. એને જગત જમાદાર તરીકે બધાને દબાવીને દાદાગીરીપૂર્વક રહેવું છે. એટલે એણે ઘાટ રાખીને રશિયાના ટુકડા કરાવી દીધા હતા એ સર્વવિદિત છે. એ ફરીથી બેઠા થઈ રહેલા રશિયાની અદેખાઈ કરે છે અને એની સામે શિંગડાં ભરાવવાની તાકાત ધરાવતા ચીન સામે ઝેર ઓકતું રહે છે.જેણે એની માનસિક શરણાગતિ સ્વીકારી લીધી એને એ પોતાના સંરક્ષણની બાંયેધરી આપે છે અને જે પોતાની સાર્વભૌમ સત્તા જાળવી એની સાથે સમાન સ્તરે સંબંધ રાખવા માગે છે એવા દેશોને ડરાવી, લલચાવી, ફોસલાવી,પટાવીને અંતે પોતાના ખંડિયા પ્રદેશોમાં ફેરવીને જંપે છે.વળી આ બધું એ લોકશાહીના પ્રખર હિમાયતી અને એક માત્ર રક્ષક તરીકે કરતું રહે છે.અમેરિકાની અડધોઅડધ પ્રજાને એના નેતાઓનો આ અહંકાર કઠે છે છતાં એ ચુપચાપ એમના રાષ્ટ્રવાદી અભિગમને જીરવી રહી છે. ઈરાન ઇસ્લામિક રાષ્ટ્ર છે એમ ખાડીના દેશો પણ એ જ વિચારધારાને અનુસરે છે. પણ અમેરિકાની આર્થિક સમૃદ્ધિના એ આંશિક સહભાગી છે. અમેરિકાના લશ્કરી એકમો પોતાની ભૂમિ પર પગદંડો જમાવી વિરોધી દેશો પર હુમલા કર્યા કરે એમાં એમને વાંધો નથી.સામે પક્ષે અમેરિકા એમની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ કરે છે અને એ રીતે એ રાજાશાહીમાં રાચતા શેખો નિરાંતે મોજથી રાજ કરે છે. આ અદ્દલ બ્રિટિશ સરકારની કૂટનીતિ જેવો જ કારસો છે. આપણાં દેશી રજવાડાં પાસેથી અંગ્રેજ સરકારે એ જ કૂટનીતિ અપનાવીને સૈન્યશક્તિ ખતમ કરી દીધી હતી. રાજા બાદશાહ નિશ્ચિંત બની ભોગવિલાસમાં લિપ્ત રહ્યા અને દેશ બસો વર્ષ સુધી અંગ્રેજની ગુલામી વેઠતો રહ્યો. ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ૧૮૫૭નો બળવો શમાવવામાં પણ અંગ્રેજ સરકારને કેટલાંક દેશી રજવાડાંએ જ મદદ કરી હતી. ગ્વાલિયરના સિંધિયા, ઈંદોરના હોલકર કે મૈસૂરના રાજા ફૂટી ગયા હતા અને આખરે દિલ્હીના બાદશાહને કેદ પકડી રંગૂનમાં મરવા મજબૂર કરાયા હતા તો વળી બળવાના બીજા નંબરના સૂત્રધાર નાનાસાહેબ પેશ્વાને ભાગીને સિહોરમાં સંતાવું પડ્યું હતું. પડતા ઉપર પાટું મારતા હોય એમ રાજવફાદારી દર્શાવવા આપણા દેશના દલપતરામ જેવા પહેલી હરોળના કવિએ બ્રિટિશ તાજની પ્રશસ્તિમાં કવિત્ત રચ્યાં હતાં:
દેખ બિચારી બકરીનો પણ કોઈ ના જાતાં પકડે કાન:
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન!
લગભગ આવી જ મનોદશા અમેરિકાની સુરક્ષાવ્યવસ્થા હેઠળ પોતાની જાતને સલામત ગણતા આરબ દેશો તથા આપણા પાડોશી દેશની છે. પાકિસ્તાન એની પતનોન્મુખ પરિસ્થિતિમાં પણ સમાધાનકારી વચેટિયાની ભૂમિકા ભજવીને અમેરિકાને વહાલું થવા મથે છે અને પહેલા દોરની મંત્રણામાં ઈરાને મચક નહીં આપી હોવા છતાં ‘ફીલ્ડ માર્શલ’ આ કૂટનીતિના મેદાનમાં પાછી પાની કરવા તૈયાર નથી. આવી ગુલામીની માનસિકતા ધરાવતા દેશોની સરખામણીમાં ઈરાન ધાર્મિક સરમુખત્યારીની અવાંછનીય શાસન વ્યવસ્થા હોવા છતાં એના વટ, વચન અને વેરની ભૂમિકા પર મૂઠી ઊંચેરા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થઈ શકે.એને નષ્ટભ્રષ્ટ કરવા કૃતસંકલ્પ ઇઝરાયેલ દુનિયાની નજરમાં દુષ્ટતા અને ધૃષ્ટતાનો પર્યાય બની ગયું છે.ઈરાન ખોટું હોય તો પણ એની અણનમ રહેવાની જીદ દાદ માગી લે છે. એની પાસે અમેરિકા અને એના આશરે જીવતાં બગલબચ્ચાં સામે ઉગામવા માટે હોર્મુઝ જળમાર્ગ એ જ એક અમોઘ હથિયાર બચ્યું હોય ત્યારે એની પાસે ઉદાર અભિગમની અપેક્ષા રાખવામાં ઔચિત્ય ખરું?
મને તો દુનિયાને અમેરિકાની ડંફાસ અને દાદાગીરી સામે ચીન અને રશિયાનું વલણ વધારે ઔચિત્યપૂર્ણ લાગે છે.આખરે એક માથાભારે દેશની જોહુકમી વેઠવી એ કરતાં એક મંચ પર આવીને ભારત,ચીન, રશિયા અને ઈરાને એને એની હેસિયતનો અહેસાસ કરાવી દેવામાં જ શ્રેય છે.સામે ચાલીને અમેરિકાએ આવા પાડોશીધર્મના પાલનની તક આપી છે એ વિના વિલંબે ઝૂંટવી લેવાની જરૂર નથી શું?તમે શું માનો છો? -કેશુભાઇ દેસાઇ

Most Popular

To Top