Nadiad

મહીસામાં રખડતા આખલાનો આતંક

ગાયો ચરાવી પરત ફરતા 31 વર્ષીય યુવાન પર હુમલો કરી પેટ ચીરી નાખ્યું, હોસ્પિટલ પહોંચે તે પહેલા કરુણ મોત

(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
મહીસા ગામે ગાયો ચરાવીને પરત ફરી રહેલા એક પશુપાલક યુવાન પર આખલાએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આખલાએ શિંગડું પેટના ભાગે હુલાવી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે નડિયાદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે મહીસા ગામે રહેતા પ્રકાશ પુંજા ભરવાડ નામના 31 વર્ષીય યુવાન ગત રોજ બપોર પછી પોતાના પશુઓ ચરાવીને પરત આવી રહ્યા હતા. અંદાજે 4.30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ગામમાં પ્રવેશ્યા ત્યારે રસ્તામાં અચાનક એક આખલાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આખલો એટલો વિફર્યો હતો કે યુવાનને બચવાની કોઈ તક મળી ન હતી. આખલાએ યુવાનના પેટના ભાગે જોરદાર શિંગડું મારતા પેટનો ભાગ ફાટી ગયો હતો અને આંતરડા બહાર નીકળી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવાન રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પ્રકાશ ભરવાડને તાત્કાલિક સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે યુવાનના શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાથી અને વધુ પડતું લોહી વહી ગયું હોવાથી હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. હોસ્પિટલના ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનના અકાળે અવસાનથી ભરવાડ સમાજ સહિત સમગ્ર મહીસા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ખેડા જિલ્લામાં રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓના ત્રાસથી અગાઉ પણ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ મહીસાની આ ઘટનાએ તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. મૃતક યુવાન પોતાના પરિવારનો આધારસ્તંભ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રખડતા પશુઓને ડબ્બે પૂરવાની માંગણી પણ ઉગ્ર બની છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top